ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુલાંટ! કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકાવ્યો
Trump halts plan for Tariff On Canada: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછી ગુલાંટ મારી છે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી તેઓ સતત કેનેડા, મેક્સિકો, ચીન સહિત વિશ્વના અન્ય દેશો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાતો કરી રહ્યા છે, તેમાં અલ્ટીમેટમ પણ આપી રહ્યા છે. પરંતુ આ અલ્ટીમેટમનો અમલ કરી રહ્યા નથી. ટ્રમ્પે ફરી પાછી કેનેડામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો છે. બંને દેશો વચ્ચે ટ્રેડવોર અંગે સવાલો અને અનિશ્ચિતતાઓના કારણે ટ્રમ્પે કેનેડા પર આ ટેરિફનો અમલ થતો અટકાવ્યો હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ આર્થિક સલાહકારે જણાવ્યું છે.
મીડિયા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પના વરિષ્ઠ આર્થિક સલાહકાર પીટર નવારોએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા કેનેડા પર 12 માર્ચ, બુધવારે લાગુ થવા જઈ રહેલો ટેરિફ નિર્ણય હાલ અટકાવ્યો છે. નવોરાનું આ નિવેદન કેનેડાના ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડ દ્વારા અમેરિકામાં થતી વીજ નિકાસ પર લાગુ 25 ટકા ટેરિફ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કર્યા બાદ આવ્યું છે.
કેનેડાના 25 ટકા ટેરિફથી ટ્રમ્પ ભયભીત
કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પ આગળ જરા પણ ઝૂકવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કેનેડા દ્વારા અમેરિકાના ચાર રાજ્યોના 15 લાખ ઘરમાં પૂરો પાડવામાં આવતા વીજ પુરવઠા પર 25 ટકા ટેરિફ લાદી દીધો છે. આ જાહેરાત બાદ ઓન્ટારિયોના પ્રીમિયરે આ ટેરિફ પર હાલ કામચલાઉ ધોરણે લાગુ ન કરવાની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની કેનેડામાંથી આયાત પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લાગુ થતાં અટકાવ્યો છે.
યુ ટર્ન લેવા મજબૂર ટ્રમ્પ સરકાર
ટ્રમ્પની ટેરિફ નીતિનો વિશ્વના તમામ દેશો આકરો જવાબ આપવા તૈયાર છે. કેનેડા, ચીન અને મેક્સિકોએ અમેરિકાના ટેરિફ પર સામો ટેરિફ લાદવાની તૈયારીઓ દર્શાવી છે. અન્ય દેશોની આ તૈયારીઓના કારણે ટ્રમ્પ સરકાર વારંવાર ટેરિફ લાગુ કરવાની નીતિ પર યુ ટર્ન લેવા મજબૂર બની છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે કેનેડામાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડ્યુટી 25 ટકાથી વધારી 50 ટકા કરવાનું નિવેદન આપ્યું હતું. જે બુધવારે 12 માર્ચથી લાગુ થવાની હતી. પરંતુ નવારોએ તેને પરત ખેંચી હોવાની જાહેરાત કરી છે.
કેનેડાના નવા વડાપ્રધાનનું આક્રમક વલણ
જસ્ટિન ટ્રુડોના સ્થાને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાની ટેરિફ નીતિ પર આક્રમક વલણ દર્શાવ્યું છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીઓ પર કાર્નીએ આકરી પ્રતિક્રિયા આપી છે કે, કોઈ છે, જે અમારી અર્થવ્યવસ્થાને નબળી બનાવવા માગે છે. આપણે જાણીએ છીએ કે, ટ્રમ્પે અમારી પ્રોડક્ટ્સ પર અયોગ્ય ટેરિફ લાદ્યો છે. જેનાથી કેનેડાના લાખો પરિવાર, મજૂર વર્ગ અને બિઝનેસ પર અસર થઈ રહી છે. પણ અમે તેમને સફળ થવા દઈશું નહીં.
અમેરિકામાં એલ્યુમિનિયમની 50 ટકા આયાત કેનેડામાંથી