અમેરિકા અને કેનેડા વચ્ચે 'ટેરિફ' વૉર શરૂ, ટ્રમ્પે ટેક્સ ડબલ કરતા જ પાડોશી દેશે વેક્સિન ડીલ કરી રદ
US-Canada Tariff War: અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફ વોરની શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (11 માર્ચ, 2025) કેનેડા માટે સ્ટીલ અને એલ્યુમીનિયમના ઉત્પાદનો પર લગાવેલા ટેરિફને 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી છે. જેના પર પાડોશી દેશ કેનેડાએ પણ પલટવાર કર્યો છે અને નોવાવેક્સ કોવિડ વેક્સિનની ખરીદીની ડીલ રદ કરી દીધી છે.
ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ વધારવાનો નિર્ણય બુધવારથી લાગૂ થઈ જશે. ટેરિફ વધારવાનો નિર્ણય કેનેડાના ઓંટારિયોની સરકાર દ્વારા અમેરિકાને વેચવામાં આવતી વીજળીના ભાવ વધારવાના બદલામાં લેવાયો છે. જણાવી દઈએ કે, આ પહેલા કેનેડાના ઓંટારિયોની સરકારે અમેરિકાને સપ્લાઈ થનારી વીજળી પર 35 ટકા ટેરિફ લગાવી દીધું હતું.
સ્ટીલ અને એલ્યુમીનિયમ પર ટેક્સ પલટવાર બાદ કેનેડાએ પણ મંગળવારે (11 માર્ચ, 2025) કોવિડ વેક્સિન માટે અમેરિકન બાયોટેક ફર્મ નોવાવેક્સની સાથે થયેલા કરારને રદ કરી દીધો છે, જેને સ્થાનિક રીતે એક નવી કેનેડિયન સુવિધાથી ઉત્પાદન કરાતું હતું. મેરીલેન્ડ સ્થિત કંપનીએ કહ્યું કે, માહિતી મળી છે કે, કેનેડિયન સરકાર લાખો ડોઝ ખરીદવા માટે જાન્યુઆરી 2021ના કરારને તાત્કાલિક અસરથી રદ કરી રહી છે. કંપનીને 2024ના અંત સુધીમાં મોન્ટ્રિયલમાં બાયોલોજિક્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઇંકમાં ઉત્પાદન થયેલા જથ્થાબંધ એન્ટીજનનો ઉપોયગ કરીને પોતાના કોવિડ-19 વેક્સિન માટે નિયમનકારી મંજૂરીનો અભાવ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓટાવાએ 2021ની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે નોવાવેક્સ કેનેડામાં COVID-19 રસી બનાવનારી પ્રથમ કંપની બનશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં કહ્યું, 'મેં મારા વાણિજ્ય મંત્રીને કેનેડાથી અમેરિકા આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર વધારાની 25 ટકા ડ્યુટી લાદવાનો નિર્દેશ આપ્યો છે. તે એવા દેશોમાંનો એક છે જે વિશ્વમાં ક્યાંય પણ સૌથી વધુ ટેરિફ લાદે છે.' ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ આવતાની સાથે જ અમેરિકન શેરબજારમાં તાત્કાલિક ઘટાડો જોવા મળ્યો. ટેરિફ યુદ્ધને વધુ ગાઢ બનાવવાની તેમની ધમકીઓને કારણે શેરબજારમાં ભારે વેચવાલી થયા બાદ ટ્રમ્પ પર દબાણ છે કે તેઓ અર્થતંત્રને મંદીમાં ધકેલી દેવાને બદલે તેને વેગ આપવા માટે કાયદેસર યોજના ધરાવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની ફજેતી: અમેરિકાએ રાજદૂતને ઘૂસવા પણ ન દીધા, એરપોર્ટથી જ કર્યા ડિપોર્ટ
ફરી કેનેડાને રાજ્ય બનાવવાની કરી વાત
ટ્રમ્પે કહ્યું કે, 'એક વાત હું વિચારી શકું છું કે કેનેડા આપણું 50મું રાજ્ય બની જાય. આનાથી બધા ટેરિફ અને બીજું બધું સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. કેનેડિયનોના ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેઓ લશ્કરી રીતે વધુ સુરક્ષિત બનશે અને હવે ઉત્તરીય સરહદની સમસ્યા રહેશે નહીં, અને વિશ્વનું સૌથી મહાન અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર પહેલા કરતાં વધુ મોટું, સારું અને મજબૂત બનશે, અને કેનેડા તેનો મોટો ભાગ હશે. ઘણા વર્ષો પહેલા દોરેલી કૃત્રિમ વિભાજન રેખાઓ આખરે ગાયબ થઈ જશે અને આપણી પાસે વિશ્વનું સૌથી સુરક્ષિત અને સૌથી સુંદર રાષ્ટ્ર હશે. તમારું ભવ્ય રાષ્ટ્રગીત 'ઓ કેનેડા' વાગતું રહેશે, પરંતુ હવે તે વિશ્વના અત્યાર સુધીના સૌથી મહાન રાષ્ટ્રની અંદર એક મહાન અને શક્તિશાળી રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.'