Get The App

યાહ્યા સિનવારનાં મૃત્યુને અમેરિકા 'નિરાંતનો દિવસ' કહે છે તેને ઓસ્મા-બિન-લાદેનનાં મોત સાથે સરખાવે છે

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
યાહ્યા સિનવારનાં મૃત્યુને અમેરિકા 'નિરાંતનો દિવસ' કહે છે તેને ઓસ્મા-બિન-લાદેનનાં મોત સાથે સરખાવે છે 1 - image


- સિનવારના મૃત્યુથી વિશ્વ સારૂં ભવિષ્ય જોઈ શકશે : હેરિસ

- 'ઈઝરાયલને હમાસના નેતૃત્વનો નાશ કરવાનો અધિકાર જ છે' તેમ કહેતાં જો બાયડેને ઈઝરાયલને બિનશરતી સમર્થન જાહેર કર્યું

વોશિંગ્ટન : ઈઝરાયલને હમાસના નેતાગણ અને તેના સેનાકીય માળખાનો નાશ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, તેમ કહેતા અમેરિકાના પ્રમુખ જો બાયડેને ગુરૂવારે (ઓક્ટો. ૧૭ના દિને) ઈઝરાયલને હમાસના નેતા યાહ્યા સિનવારનાં મોત પછી બિન શરતીય સમર્થન જાહેર કર્યું હતું.

હમાસના સર્વોચ્ચ નેતા યાહ્યા સિનવારનાં મૃત્યુની ઈઝરાયલનાં વિદેશ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કર્યા પછી બાયડેને જણાવ્યું હતું કે સિનવારના મૃત્યુનો દિવસ ઈઝરાયલ અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે પણ એક 'શુભ દિવસ' તરીકે જોવો જોઈએ.

તેઓએ વધુમાં કહ્યું કે સિનવાર જ ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિને (દક્ષિણ ઈઝરાયલમાં) થયેલા હત્યાકાંડ, બળાત્કારો અને અપહરણો પાછળનો 'માસ્ટર માઈન્ડ હતો.' તેના હુકમને લીધે જ હમાસ ત્રાસવાદીઓએ સહેતુક દક્ષિણ ઈઝરાયલમાં આક્રમણ કર્યું હતું અને વર્ણવી ન શકાય તેવી 'પીશાચ લીલા' આદરી હતી, તેમણે હત્યાઓ કરી હતી. હત્યાકાંડો આચર્યા હતા. આ રાક્ષસી તાંડવ દરમિયાન તેમણે માતા-પિતાની નજર સમક્ષ તેમનાં બાળકોની કતલ કરી હતી અને બાળકોની નજર સમક્ષ માતા-પિતાની હત્યા કરી હતી.

અમેરિકાનાં પ્રમુખે વધુમાં આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, તે એક જ દિવસમાં ૧૨૦૦થી વધુને મારી નાંખવામાં આવ્યા. આ ભયંકર સંહારલીલાના લગભગ ઈઝરાયલીઓ જ ભોગ બન્યા હતા, તેમની સાથે ૪૬ અમેરિકન્સ પણ મૃત્યુ પામ્યા હતા. ૨૫૦ના અપહરણ કરવામાં આવ્યાં તે અપહૃતો પૈકી ૧૦૧ હજી પણ લાપત્તા છે. આ બધા માટે અને તે પછીની તમામ ઘટનાઓ માટે સિનવાર જ જવાબદાર હતો તેમ જો બાયડેને ભાર-પૂર્વક કહ્યું હતું.

આ પછી અમેરિકાનાં વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે યાહ્યા સિનવારનું મૃત્યુ ઈઝરાયલ માટે, અમેરિકા માટે અને સમગ્ર વિશ્વ માટે એક 'રાહતનો દિવસ' બની રહ્યો છે. આ દિવસ ૨૦૧૧માં ઓસ્મા-બિન-લાદેનનાં મૃત્યુ પછી વિશ્વને મળેલી શાંતિના દિવસ સમાન બની રહ્યો છે. મારા ઈઝરાયલી મિત્રો માટે તો તે ભારે રાહતનો દિવસ બની રહ્યો છે. તે ૨૦૧૧માં પ્રમુખ ઓબામાએ બિન લાદેનની હત્યા માટે આપેલા હુકમ સમાન બની રહ્યો છે.

પ્રમુખ બાયડેન ઉપરાંત ઉપપ્રમુખ કમલા હેરિસે પણ આ ઘટના (સિનવારના મૃત્યુ)ની સરાહના કરી હતી અને કહ્યું હતું કે હવે સત્તા વિહોણા હમાસને જોવાનો સમય આવ્યો છે... (ઈઝરાયલને) ન્યાય મળ્યો છે. આના પરિણામે ઈઝરાયલ, અમેરિકા અને સમગ્ર વિશ્વ એક સારૂં ભવિષ્ય જોઈ શકશે.


Google NewsGoogle News