બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો સ્ટે, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પને મોટો ઝટકો
Donald Trump News | અમેરિકાની એક કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતાં બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ બનતાં જ ટ્રમ્પે આદેશને લગતા એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં અમેરિકામાં લાખો લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ટ્રમ્પે શું આદેશ આપ્યો હતો?
ઉલ્લેખનીય છે કે નવા પ્રમુખ ટ્રમ્પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોની અમેરિકન નાગરિકતા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા-પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. જોકે કોર્ટે ટ્રમ્પના આદેશને સ્પષ્ટરૂપે ગેરબંધારણીય ગણાવી દેતાં તેના પર સ્ટે આપી દીધો હતો.
કોર્ટે શું કહ્યું ચુકાદામાં?
બર્થરાઈટ સિટીઝનશિપ અંગે ટ્રમ્પના ચુકાદા વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુનાવણી બાદ અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જોન કોફરને ટ્રમ્પને આ આદેશને લાગુ કરતા અટકાવી દીધા છે. કોર્ટે કહ્યું કે ટ્રમ્પના આ ફરમાન પર અસ્થાયીરૂપે રોક લગાવવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી કોને અસર થવાની હતી?
ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના આદેશથી એવા લોકોને અસર થઇ હોત જેમની પાસે 'ગેરકાયદેસર' અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો. સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોના માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.