1500 સૈનિક, ટેન્ક અને હેલિકોપ્ટર... યુદ્ધ નહીં ઘૂસણખોરી રોકવા ટ્રમ્પ સરકારની મેક્સિકો સરહદે કિલ્લેબંધી
US and Maxico border Issue | ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં 500 મરીન કોર્પ્સની સાથે 1000 સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે.
X પર વ્હાઈટ હાઉસે કરી પોસ્ટ
આ સાથે X પોસ્ટમાં લખ્યું છે કે, "યુએસ મરીન કોર્પ્સ સરહદે અમેરિકાની સુરક્ષાના મિશનમાં સીબીપી (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન) ની મદદ કરી રહ્યા છે અને ખાસ એ કે વાયદો કર્યો અને વાયદો પૂર્ણ થયો.
ટ્રમ્પે વાયદો પૂર્ણ કર્યો
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે 22 જાન્યુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના 36 કલાકની અંદર 500 મરીન કોર્પ્સ અને 1000 સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પછીના પહેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર ઈમરજન્સી જાહેર કરી હતી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો.