યમનમાં હુથી બળવાખોરોના 18 ઠેકાણા પર એરસ્ટ્રાઈક, અમેરિકા સહિત સાત દેશોનું સંયુક્ત ઓપરેશન
હુમલામાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડની સેના પણ સામેલ હતી
Image : Screen Grab |
US and British strikes on Houthi sites in Yemen : મધ્ય પૂર્વમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં અમેરિકા અને બ્રિટનની સેનાએ અન્ય દેશોની ફોર્સ સાથે મળીને હુથી બળવાખોરોના ઠેકાણો પર એર સ્ટ્રાઈક કરી છે. ઉલ્લેખનીય છે કે હુથી બળવાખોરો યમનમાં માનવીય સહાય પૂરી પાડવા માટે મોકલવામાં આવતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા હતા.
હુથી બળવાખોરોના 18 ઠેકાણા પર હુમલો કરાયો
યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાનુસાર અમેરિકા અને બ્રિટને સંયુક્ત રીતે યમનની રાજધાની સનામાં હુથી બળવાખોરોના 18 ઠેકાણાને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું હતું કે હુથી બળવાખોરો માલવાહક જહાજો પર હુમલાઓ કરીને યમનને આપવામાં આવતી માનવીય સહાયને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આ સંયુક્ત હુમલામાં અમેરિકન અને બ્રિટિશ સેના ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડની સેના પણ સામેલ હતી.
અમેરિકાના સંરક્ષણ મંત્રીએ હુથીઓને આપી ચેતવણી
નોંધનીય છે કે હુથી બળવાખોરોના હુમલાઓથી વૈશ્વિક વેપાર પર પણ અસર પડતી હતી અને શિપિંગ દરોમાં પણ વધારો થયો હતો. આ હુમલામાં ભાગ લેનાર દેશોએ સંયુક્ત નિવેદનમાં જમાવ્યું હતું કે યમનમાં 8 અલગ-અલગ સ્થળોએ સેનાએ કાર્યવાહી કરી હતી, જેમાં હુથીના 18 ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકન રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું હતું કે 'હુમલાનો ઉદ્દેશ્ય ઈરાન સમર્થિત હુથી બળવાખોરોની તાકાતને ખતમ કરવાનો છે.' વધુમાં જણાવ્યું હતું કે, 'અમે હુથી બળવાખોરોને કહેવા માંગીએ છીએ કે જો તેઓ તેમના ગેરકાયદે હુમલા બંધ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે.'