ગાઝામાં સહાય પહોંચાડતી સ્ટીમરો લાંગરવા અમેરીકાએ ભૂમધ્ય સમુદ્રમાં ફ્લોટિંગ પીયર મૂક્યો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ગાઝામાં સહાય પહોંચાડતી સ્ટીમરો લાંગરવા અમેરીકાએ ભૂમધ્ય સમુદ્રમાં ફ્લોટિંગ પીયર મૂક્યો 1 - image


- ગાઝામાં સહાય પહોંચાડવા ઇઝરાયલ કે ઇજીપ્ત તરફથી જતા ભૂમિ માર્ગના વિકલ્પરૂપ આ વ્યવસ્થા બની રહેશે

નવી દિલ્હી : અમેરિકાએ ગઇકાલે જણાવ્યું હતું કે ગાઝા પાસે તેણે એક ટેમ્પરરી પીયર મુક્યો છે. જેથી વ્યાપારી જહાજ ભૂમધ્ય સમુદ્રમાં જ રહી સમુદ્ર માર્ગે ગાઝાનાં નાગરિકોને સહાય પહોંચાડી શકે. આ જળ માર્ગ ઇઝરાયલ કે ઇજિપ્ત તરફથી જતા ભૂમિમાર્ગનો વિકલ્પ બની રહેશે.

બહેરિન સ્થિત યુએસ સેન્ટ્રલ કમાન્ડનાં હેડ ક્વાર્ટરના જણાવ્યા પ્રમાણે પેલેસ્ટાઇની નાગરિકોને માનવીયસહાય પહોંચાડવા માટે આ ટેમ્પરરી પીયર તરતો મુક્યો છે. જો કે, તે દ્વારા અમેરિકી સૈનિકો ગાઝામાં જવાના નથી. હવે થોડા દિવસોમાં જ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ જશે. પછી આ પીયર ઉપરથી ટ્રકો સમુદ્ર તટ (ગાઝામાં) ઉતરશે. ત્યાં યુએનની સહાયક સંસ્થાના કાર્યકરો અને કર્મચારીઓ તે સહાયને સંકલિત કરી ગાઝામાં નાગરિકોને પહોંચાડશે.

આ કાર્યક્રમનું નામ જોઇન્ટ લોજિસ્ટિક્સ ઓવર ધ શોર (જેએલઓટીએસ) આપવામાં આવ્યું છે.

આ સહાયક કાર્યવાહી બે ભાગમાં વહેંચાયેલી રહેશે.પહેલાં તે ફ્લોટિંગ પીયર ઉપર સહાય માટેનાં ખાદ્યાનની તથા અન્ય માલસામાન ઉતારવામાં આવશે. ત્યાંથી સમુદ્ર વચ્ચે બાંધવામાં આવેલા કોઝ-વે (બેઠા પુલ) ઉપરથી ટ્રકો સમુદ્રતટે પહોંચશે. ગત સપ્તાહે ભૂમધ્ય સમુદ્રમાં ચક્રવાત જાગ્યો હોવાથી આ સમગ્ર કાર્યવાહી એક સપ્તાહ જેટલા સમય સુધી મુલતવી રાખવામાં આવી હતી. તેમ પણ યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું.

એક તરફ અમેરિકા પેલેસ્ટાઇનીને સહાય કરવાની તૈયારી કરે છે તો બીજી તરફ તે ઇઝરાયલને એક અબજ ડોલરનાં શસ્ત્રો મોકલે છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઓએમ ગેલન્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીની દક્ષિણે આવેલાં રફાહનો ઘેરો મજબૂત કરવા વધુ સૈનિકો રવાના કરાયા છે. તે પાછળનો હેતુ હમાસને થકવી નાખવાનો છે. આ ઘેરો ચાલુ જ રહેશે.


Google NewsGoogle News