Get The App

યમનના ઓઇલ પોર્ટ પર અમેરિકાની એરસ્ટ્રાઈક : 74 હુથી આતંકીનાં મોત

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
યમનના ઓઇલ પોર્ટ પર અમેરિકાની એરસ્ટ્રાઈક : 74 હુથી આતંકીનાં મોત 1 - image


- બળવાખોરો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

- હમાસ આત્મસમર્પણ કરવા અને બધા જ બંધકો છોડવા તૈયાર, ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને યુદ્ધ બંધ કરવા આજીજી કરી

દુબઈ/ગાઝા : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના શાંતિ કરારના ભંગ પછી મધ્ય-પૂર્વ ફરી એક વખત યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે અને હવે આ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડયું છે. અમેરિકાએ શુક્રવારે યમનના હુથી બળવાખોરોના કબજાવાળા રાસ ઈસા બંદર પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં ૭૪ હુથી બળવાખોરોનાં મોત નીપજ્યાં હતા અને ૧૭૧થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજીબાજુ ઈઝરાયેલના હુમલાઓથી હમાસની કમર ભાંગી ગઈ છે. હવે હમાસ શાંતિ માટે તૈયાર થઈ ગયું છે. તેણે બધા જ બંધકોને છોડીને આત્મસમર્પણ કરવાની તૈયારી દર્શાવી છે અને ઈઝરાયેલને ગાઝા પરના હુમલા રોકી યુદ્ધ બંધ કરવા આજીજી કરી છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ હુતી બળવાખોરોએ અમેરિકાના આ હવાઈ હુમલાને અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. અમેરિકા છેલ્લા એક મહિનાથી યમનમાં હુથી બળવાખોરો પર હવાઈ હુમલા કરી રહ્યું છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ એરસ્ટ્રાઈક યમનના ઉત્તરીય દરિયા કિનારા પર સ્થિત રાસ ઈસા બંદરને નિષ્ક્રિય કરવાના અને હુથી બળવાખોરોના ક્રૂડ ઓઈલ તથા આર્થિક સંશાધનો નબળા કરવાના આશયથી કરાઈ હતી. આ હુમલામાં રાસ ઈસા બંદર અને આજુબાજુના વિસ્તારોને વિશેષરૂપે નિશાન બનાવાયા હતા. બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવર હુમલાની ઝપેટમાં આવી ગયા હતા. 

યમન પર આ હુમલા ૧૫ માર્ચથી શરૂ થયેલા ટ્રમ્પના અભિયાનના ભાગરૂપે કરાયા હતા. જોકે, આ અભિયાન તેમજ યમન પર તેના હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા, અથવા તેના ટાર્ગેટ્સ અંગે સેન્ટ્રલ કમાન્ડે કોઈ માહિતી આપી નથી. હકીકતમાં રાસ ઈસા બંદર યમનના અર્થતંત્ર અને માનવીય સહાયતા પૂરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીંથી દેશની ૭૦ ટકાથી વધુ આયાત અને ૮૦ ટકા માનવીય સહાયતા આવે છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરો આ બંદરો પરથી મળતા ઈંધણનો ઉપયોગ તેમના સૈન્ય અભિયાનો અને નિયંત્રણને મજબૂત કરવા માટે કરે છે. ઈંધણની આવકમાંથી હથિયારો ખરીદવામાં આવે છે અને તે સામાન્ય નાગરિકો સુધી પહોંચી નથી રહી. એવામાં આ બંદરને નિશાન બનાવવું જરૂરી હતું. દરમિયાન મધ્ય પૂર્વમાં ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બાળકો, હોસ્પિટલના કર્મચારીઓ સહિત ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા હોવાનો પણ નાસીર હોસ્પિટલે દાવો કર્યો છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં બે ડઝનથી વધુ લોકોના મોતના બીજા દિવસે ઈઝરાયેલે આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હુમલાઓથી હમાસની કમર તૂટી ગઈ છે અને હવે તે ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માગે છે. હમાસના ટોચના આતંકીએ કહ્યું કે, અમે ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ અને બધા જ બંધકોને છોડી દેવા તૈયાર છીએ. અમે ઈઝરાયેલની જેલોમાં કેદ પેલેસ્ટાઈનના નાગરિકોના બદલામાં બધા જ બંધકોને છોડવા માગીએ છીએ. હમાસ નેતા ખલીલ અલ-હાયાએ કહ્યું કે, અમે વચગાળાની સમજૂતી કરવા નથી માગતા. અમે હવે સ્થાયી સમાથાન ઈચ્છીએ છીએ. અમે તુરંત અસરથી આ યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ. તેમણે ઉમેર્યું કે, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ તેમના રાજકીય એજન્ડા માટે આંશિક સમજૂતી કરી રહ્યા છે, જેનાથી ગાઝામાં ભૂખમરો વધી રહ્યો છે.

Tags :