સોમાલિયામાં 'ઇસ્લામિક સ્ટેટ' પર અમેરિકાની એરસ્ટ્રાઇક, અનેકનો સફાયો
- ટ્રમ્પે સત્તા સંભાળતા જ આતંકીઓના ખાત્માનું અભિનાય શરૂ કર્યું
- અમેરિકનોને અટકચાળો કર્યો તો ગમે ત્યાંથી શોધીને ઠાર મારીશું, એક પણ આતંકીને નહીં છોડીએ : ટ્રમ્પ
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા જ આતંકવાદ સામે પગલા લેવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાએ સોમાલિયામાં સક્રિય આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસના વિવિધ સ્થળોએ હવાઇ હુમલા કર્યા હતા. ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત અમેરિકાએ આફ્રિકન દેશમાં આ હુમલા કર્યા છે. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો મીડિયા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે.
સોમાલિયાના બોસ્સાઓ વિસ્તારના મિલિટરી કમાન્ડર મોહમ્મદ અલિ જ્યારે પાસેના વિસ્તારના મિલિટરી કમાન્ડર અબ્દી રહેમાન અદને કહ્યું હતું કે તેણે પણ પાંચ મોટા ધડાકા સાંભળ્યા હતા અને ધુમાડા ગોટા ઉડતા જોયા હતા. જોકે પુટલેન્ડના આતંકીઓએ હજી સુધી તેની પુષ્ટિ કરતાં નિવેદનો જારી કર્યા નથી તે અલગ વાત છે. હેગસેટે કહ્યું હતું કે, આ હુમલાથી ઇસ્લામિક-સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (ૈંજીૈંજી ની ખિલાફત)ની તાકાત નબળી તો પડી જ ગઈ છે. આ જૂથ અમેરિકા અને વિશેષતઃ તેના સાથીઓ માટે ભયાવહ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સ્ટેટ (ખિલાફત) વાદીઓની સંખ્યા હજી બહુ મોટી નથી, પરંતુ તેમનાં અલકાયદા અને અલશબાબ જેવાં ખતરનાક આતંકી જૂથો સાથેનું ગઠબંધન તેમને પણ ખતરનાક બનાવી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આઇએસ સહિતના આતંકી સંગઠનોના આતંકીઓને શોધી શોધીને ઠાર કરવાની ધમકી આપી હતી. જ્યારે સોમાલિયામાં હવાઇ હુમલા વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે સોમાલિયામાં આઇએસના ટોચના આતંકીઓ સહિતનાના ખાતમા માટે ત્યાંની ગુફાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. જોકે આઇએસના ક્યા ટોચના પ્લાનર અને રિક્રૂટર પર હુમલો કરવામાં આવ્યો હતો તેની સ્પષ્ટતા ટ્રમ્પે નહોતી કરી. તેમણે કહ્યું હતું કે આ હવાઇ હુમલા આઇએસ માટે એક ચેતવણી છે કે જે પણ અમેરિકનને નિશાન બનાવશે તેને શોધી શોધીને ઠાર કરવામાં આવશે. એવા અહેવાલો હતા કે આઇએસ અન્ય દેશોમાં અમેરિકન નાગરિકોનું અપહરણ કરીને બાદમાં મોટી રકમની માગણી કરવાનું કાવતરુ ઘડી રહ્યું છે. સોમાલિયામાં પણ આઇએસનું જુથ આવુ કરી રહ્યું હોવાથી તેના પર અમેરિકાએ આ હુમલો કર્યો હતો.