અમેરિકી સેનાની સીરિયામાં મોટી એરસ્ટ્રાઈક, 37 આતંકવાદીઓ ઠાર થયા હોવાનો અમેરિકાનો દાવો
US Airstrike In Syria : અમેરિકાની સેનાએ સીરિયામાં મોટી એરસ્ટ્રાઈક કરી 37 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાને અમેરિકાઓ દાવો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો છે, જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે, અનેક ટાર્ગેટ પર આતંકી હુમલા કરવામાં આવ્યા હતા.
અમેરિકન એર સ્ટ્રાઈકમાં સીરિયાના ચાર નેતાના પણ મોત
યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સીરિયાના ચાર નેતાઓનો સમાવેશ થાય છે.
સીરિયામાં અમેરિકાના લગભગ 900 સૈનિકો
અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ યુએસ હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો છે. તેઓ આઈએસની વાપસીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુ.એસ. દળો ઉત્તરપૂર્વીય સીરિયામાં તેમના મુખ્ય સહયોગીઓ કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે. તે સ્થાનોથી દૂર નથી જ્યાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હાજર છે.