યુક્રેનમાં એફ-16 વિમાનને રશિયાની એસ-400એ તોડી પાડતા ખળભળાટ
- રશિયાના હુમલા ચાલુ રહેતા યુએસની ડિપ્લોમસી સામે સવાલ
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જરા યુક્રેન આવીને જુઓ તો ખરા પુતિને અમારા દેશની કેવી હાલત કરી નાંખી છે : ઝેલેન્સ્કીનો ટોણો
મોસ્કો : યુક્રેનમાં અમેરિકાના એફ-૧૬ વિમાનને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ તોડી પાડતા અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. એફ-૧૬ તોડી પાડવામાં આવતા યુક્રેનના હવાઇદળની રણનીતિને મોટો ઝાટકો લાગ્યો છે. તેની સાથે અમેરિકાની લશ્કરી ડિપ્લોમસી પર પણ સવાલ ઉઠયો છે. આ અહેવાલ બીબીસીએ આપ્યો હોવાથી તેની વિશ્વસનીયતા પણ વધારે છે.
આ ઉપરાંત ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આર-૩૭ નામની એર-ટુ-એર મિસાઇલે પણ એફ-૧૬ને નિશાન બનાવ્યું હોય તેવી પણ સંભાવના છે. જો કે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે એફ-૧૬ વિમાન નાટો અને અમેરિકાનું સૌથી મોટું ટેસ્ટેડ અને મલ્ટી રોલ વિમાન છે.
યુક્રેન રશિયા સામે યુદ્ધના મોરચે સરસાઈ મેળવે તે હેતુથી એફ-૧૬ વિમાન તેને આપવામાં આવ્યું હતું. પશ્ચિમી દેશોએ વિચાર્યું હતું કે એફ:૧૬ આવવાથી યુક્રેનનું હવાઈદળ રશિયાના એસયુ-૩૫ અને એસયુ-૩૪ જેવા વિમાનોનો સામનો કરી શકશે. પરંતુ યુદ્ધના મેદાનમાં રશિયાએ બતાવી દીધું છે કે પશ્ચિમી દેશો ફક્ત ટેકનોલોજીના દમ પર યુદ્ધની સ્થિતિ બદલી શકવાના નથી. રશિયાએ તે સાબિત કર્યુ છે કે યુદ્ધના મેદાનમાં હકીકત તે આધાર પર નિર્ભર કરે છે કે દેશની રણનીતિ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને મિશન પ્લાન કેટલો શાનદાર છે.રશિયાના એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને વિશ્વની સૌથી ઘાતક અને ચોકસાઈવાળી સિસ્ટમ માનવામાં આવે છે.આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આગ્રહ કર્યો છે કે તે યુક્રેન આવી રશિયાના હુમલાઓના લીધે થયેલી બરબાદી જુએ. રશિયાએ યુક્રેન સાથે શું કર્યુ છે અને હજી પણ શું કરી રહ્યું છે તે નજરોનજર જુએ અને સમજે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ યુક્રેનનો પ્રવાસ ખેડશે તો સમજી જશે કે પુતિને શું કર્યું છે.
તે સિસ્ટમ ૪૦૦ કિ.મી. દૂરથી લક્ષ્યાંકને ભેદી શકે છે. તેની સાથે તે એકસાથે ૮૦ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. તેના દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઇલોથી એફ-૧૬ જેવા ફાઇટર જેટ્સને પણ ખતમ કરી શકે છે. ભારત પણ એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. અમેરિકાના ભારે વિરોધ વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી હતી. અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવવાની ધમકી પણ આપી હતી, પરંતુ ભારત ટસનું મસ થયું ન હતું.
ભારતે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમને ચીનના કોઈપણ હુમલાનો સામનો કરવા વાસ્તવિક અંકુશ રેખા પાસે જ ગોઠવી છે. એફ-૧૬ને તોડી પાડવામાં આવતા અમેરિકન શસ્ત્રોનો ઉપયોગ કરતાં દેશો માટે ખતરાની ઘંટી વાગી છે. તેમા ખાસ કરીને પાકિસ્તાનનો અને નાટોનો સમાવેશ થાય છે.