શ્રીલંકામાં રહેતા રશિયન અને યુક્રેનિયન પર્યટકોને 23 માર્ચ સુધીમાં દેશ છોડવાના આદેશ બાદ ઘમાસાણ
image : Twitter
કોલંબો,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને બે વર્ષ પૂરા થઈ ગયા છે અને બંને દેશો એક બીજાને મચક આપવા માટે તૈયાર નથી.
બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં વિનાશથી બચવા માટે બંને દેશોના લોકો તક મળે ત્યારે બીજા દેશમાં આશ્રય લેવા માટે પહોંચી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરુ થયા બાદ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં અત્યાર સુધીમાં 3 લાખ રશિયન અને 20000 યુક્રેની પર્યટકો પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે યુધ્ધ શરુ થયા બાદ શ્રીલંકાની સરકારે તેમના વિઝા લંબાવી આપ્યા હતા અ્ને તેમને દેશમાં રહેવા માટે મંજૂરી આપી હતી.
શ્રીલંકાની સરકાર એમ પણ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે પર્યટકોને આકર્ષી રહી છે ત્યારે સરકારે આ પર્યટકો દેશમાં રહેશે તો ઈકોનોમીને ફાયદો થશે તેવી ગણતરી સાથે વિઝા લંબાવી આપ્યા હતા. હાલમાં શ્રીલંકામાં હજારો રશિયન અને યુક્રેનિયન નાગરિકો જોવા મળી રહ્યા છે. જોકે અચાનક જ હવે શ્રીલંકાના ઈમિગ્રેશન વિભાગે બે સપ્તાહમાં રશિયન અને યુક્રેનિયન પર્યટકોને દેશ છોડવાની નોટિસ આપી દીધી છે.
હાલમાં શ્રીલંકામાં કેટલાક રશિયન અને યુક્રેનિયન નાગરિકો છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી પણ આ નોટિસ આપવાના કારણે હવે જેમની વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે તેવા નાગરિકોને શ્રીલંકા છોડવુ પડશે.તેમને 23 માર્ચની ડેડલાઈન આપવામાં આવી છે.
જોકે આ નિર્ણય લેવાયા બાદ શ્રીલંકાની સરકારમાં ઘમાસાણ મચ્યુ છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયે અગાઉ વિઝા લંબાવી આપવાનો કેબિનેટનો નિર્ણય અમલમાં હોવા છતા પર્યટકોને દેશ છોડવા માટે નોટિસ કેવી રીતે અપાઈ તેની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.