પાકિસ્તાનમાં ભારતની જાસૂસી સંસ્થાએ આતંકીઓની હત્યા કરાવી, બ્રિટિશ અખબારના અહેવાલ બાદ ખળભળાટ
Image: Wikipedia
બ્રિટનના એક અખબારે સ્ફોટક અહેવાલ પ્રકાશીત કરીને કહ્યુ છે કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા કરાવવા માટે ભારત સરકારે આદેશ આપ્યા બાદ ભારતની જાસૂસી સંસ્થા RAW(રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) દ્વારા એક પછી એક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા નિયંત્રણ હેઠળની જાસૂસી સંસ્થા એ લોકોને નિશાન બનાવી રહી છે જેને ભારત દુશ્મન માને છે.
અખબારના અહેવાલમાં જાસૂસી સંસ્થાઓના અધિકારીઓના ઈન્ટરવ્યૂ તેમજ પાકિસ્તાની તપાસ એજન્સીઓએ શેર કરેલા દસ્તાવેજોનો હવાલો આપવામાં આવ્યો છે. અખબારના કહેવા અનુસાર 2019માં પુલવામા આતંકી હુમલા બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પોતાની નીતિમાં ફેરફાર કર્યો હતો.એ પછી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 20 જેટલા આતંકીઓની હત્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે.
આ અહેવાલ પ્રકાશિત થયા બાદ પાકિસ્તાની મીડિયા અને અખબારોમાં તેમજ સરકારમાં હલચલ જોવા મળી રહી છે.પાકિસ્તાની મીડિયા કહી રહ્યુ છે કે, બ્રિટિશ અખબારના દાવાથી પાકિસ્તાને જે આરોપ મુકયા છે તેને સમર્થન મળ્યુ છે.પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે જ પાકિસ્તાનની ધરતી પર લોકોની હત્યા કરાવી છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલે કહ્યુ હતુ કે, ભારતની જાસૂસી સંસ્થા રો એમ પણ આ પ્રકારના કારનામા માટે બદનામ છે.પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એક પછી એક હત્યાકાંડ શરુ કર્યા હતા અને ભારત દ્વારા ખાલિસ્તાન સમર્થકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.ભારતના એજન્ટોએ પાકિસ્તાનીઓને હત્યા માટે પૈસા પણ આપ્યા હતા.
જોકે બ્રિટિશ અખબારના અહેવાલ પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.કારણકે અખબારે માત્ર અને માત્ર પાકિસ્તાની દસ્તાવેજો અને તેની તપાસ એજન્સીઓના આક્ષેપોના આધારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.ડિફેન્સ એક્સપર્ટ અભિષેક ઐયર મિત્રાએ આ અહેવાલ પર આંગળી ચીંધીને કહ્યુ છે કે, અહેવાલમાં પહેલા ખાલિસ્તાન સમર્થક આતંકી પન્નૂને મરેલો દર્શાવાયો હતો અને તે જ બતાવે છે કે, અહેવાલને ઉતાવળમાં છાપી દેવામાં આવ્યો છે.બાદમાં અખબારે પોતાની ભૂલ સુધારી હતી.ઉપરાંત અહેવાલમાં આતંકી રિયાઝ અહેમદની તસવીર પણ ખોટી છે.
ભારત સરકારે પણ આ અહેવાલની નોંધ લઈને કહ્યુ છે કે, ભારતની સામે સાવ બોગસ આરોપો મુકીને ભારતને બદનામ કરવા માટે પ્રચાર કરવામાં આવ્યો છે