ફ્રાંસમાં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI લોન્ચ, ભારતીય પર્યટકો રૂપિયામાં પેમેન્ટ કરી શકશે
image : Twitter
પેરિસ,તા.03 ફેબ્રૂઆરી 2024,શનિવાર
ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે ફ્રાન્સમાં પણ લોન્ચ થઈ ગઈ છે.
આ સિસ્ટમ હવે ગ્લોબલ બનવા તરફ જઈ રહી છે. ભારતના રિપબ્લિક ડે નિમિત્તે ફ્રાન્સમાં યોજાયેલા કાર્યક્રમમાં તેનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને હવે એફિલ ટાવર જોવા જનારા લોકો પ્રવેશ ફીનુ પેમેન્ટ UPIથી કરી શકશે.
ફ્રાંસની ઈન્ડિયન એમ્બેસીના કહેવા પ્રમાણે ભારતની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ ફ્રાંસના ઓનલાઈન પેમેન્ટ કલેકશન લાયરા દ્વારા સંયુક્ત રીતે UPIનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે હવે ભારતીય પર્યટકોને UPIથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ભારતીય પર્યટકો રૂપિયામાં પણ પેમેન્ટ કરી શકશે.
લોન્ચિંગ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીર પણ દર્શાવવામાં આવી હતી. જેમાં જયપુરની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને મેક્રોન ચાનુ પેમેન્ટ UPIથી કરતા નજરે પડે છે.
ગત વર્ષે જુલાઈ મહિનામાં પીએમ મોદીએ ફ્રાન્સની મુલાકાત લીધી ત્યારે જાહેરાત કરી હતી કે, ફ્રાંસ અને ભારત વચ્ચે UPI પેમેન્ટ સિસ્ટમને લાગુ કરવા માટે સંમતિ સધાઈ છે અને તેની શરૂઆત પ્રતિષ્ઠિત એફિલ ટાવરથી થશે. પીએમ મોદીની જાહેરાતનો હવે ફ્રાંસમાં અમલ થઈ ગયો છે.