Get The App

દ.કોરિયામાં અસામાન્ય હિમવર્ષા છેલ્લાં 120 વર્ષમાં ત્રીજીવાર આટલો બરફ પડયો

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
દ.કોરિયામાં અસામાન્ય હિમવર્ષા છેલ્લાં 120 વર્ષમાં ત્રીજીવાર આટલો બરફ પડયો 1 - image


- 1907થી હિમવર્ષા અંગે નોંધ શરૂ થઈ છે : આ વખતની હિમવર્ષા અતિભારે છે : અનેક ફલાઈટસ અને ફેરી સર્વિસ કેન્સલ થઈ

સીઉલ : દક્ષિણ કોરિયામાં વાવાઝોડા સાથે ભારે હિમવર્ષા થઈ છે. બુધવારથી શરૂ થયેલી આ હિમવર્ષા આજે ગુરૂવારે પણ ચાલુ રહેતા ડઝનબંધ ફલાઈટસ કેન્સલ થઈ છે તેમજ ફેરી-સર્વિસ પણ બંધ કરવી પડી છે. આ હિમવર્ષાને પરિણામે પાંચના મૃત્યુ પણ નોંધાયા છે.

૧૯૦૭થી હિમવર્ષાની નોંધ શરૂ થઈ ત્યારથી હજી સુધીમાં નોંધાયેલી આ ત્રીજી ભારે હિમવર્ષા છે. જો કે, હવામાન વિભાગ જણાવે છે કે હવે સ્થિતિ સુધરતી જશે.

આ હિમવર્ષા અંગે ૭૩ વર્ષના દાદીમા લી સૂક-જીએ જણાવ્યું હતું કે આ ભયંકર હિમવર્ષામાં ગરમી મેળવવા મેં ગરમ ગરમ બ્રેડ સૂપ પીધો હતો. કારણ કે ઠંડી ઠુઠવાઈ જવાય તેવી છે.

પાટનગરના માર્ગો ઉપર ૪૦ સે.મી. (૧૬ ઇંચ) જેટલા બરફના થર જામ્યા છે. ગુરૂવારે ૧૪૦થી વધુ ફલાઈટસ કેન્સલ થઈ છે. ફેરી સર્વિસ બંધ કરાઈ છે.

આ માહિતી આપતાં દક્ષિણ કોરિયાની સમાચાર સંસ્થા યોન-હેમે જણાવ્યું હતું કે આ હિમવર્ષાને લીધે પાંચના મૃત્યુ થયા છે. તે પૈકી ચારના મૃત્યુ ભારે હિમપ્રપાતને લીધે એક છાપરૃં તૂટી પડતાં તેની નીચે દબાઈને ચારના મૃત્યુ થયા હતા. જયારે બરફમાં બસ સરકી જતાં એક વ્યકિત સાથે અથડાતા તેનું મૃત્યુ થયું હતું.

વધુ માહિતી આપતા પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, ગંગવાન પ્રાંતના વોન્ગજૂ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતા માર્ગ ઉપર ૫૩ વાહનો અટકીને ઊભા છે.

આ હિમવર્ષા અને હિમ-તોફાનની સીઉલના મુખ્ય એરપોર્ટ ઇન્સીયાન ઉપર સૌથી ખરાબ અસર થઈ છે. ત્યાં બબ્બે કલાક સુધી પ્રવાસીઓને રોકાઈ રહેવું પડયું હતું. ૩૧ ટકા ફલાઈટસ મોડી પડી હતી, જયારે ૧૬% ફલાઈટસ કેન્સલ થઈ હતી. સમગ્ર દેશમાં ૧૪૨ ફલાઈટ કેન્સલ થઈ હતી. ૭૬ ફેરી સર્વિસ પણ રદ્ જાહેર થઈ હતી અને ટ્રેનો પણ મોડી પડી હતી.


Google NewsGoogle News