ફ્રાંસમાં ચૂંટણી પરિણામો પછી અસામાન્ય તોફાનો દેશભરમાં આંચકો : રાજકીય પક્ષઘાત જેવી સ્થિતિ
- અમેરિકામાં પણ અસંતોષનો જ્વાળામુખી ફાટવાની ભીતિ
- ઓટિમ્પિકટોઇમ્સ યોજાવાનાં થોડાં જ સપ્તાહો પૂર્વે ફાટી નીકળેલાં વ્યાપક તોફાનોથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ
પેરીસ : યુરોપમાં એક ઉક્તિ છે : ''વ્હેન ફ્રાંસ સ્નીગ્કીઝ યુરોપ કેચીઝ કોલ્ડ'' (જ્યારે ફ્રાંસને છીંક આવે છે ત્યારે યુરોપને શરદી થઈ જાય છે.) આવાં આ ફ્રાંસમાં સંસદીય ચૂંટણીમાં ડાબેરી ગઠબંધને જમણેરી જૂથને પરાસ્ત કરી બેઠકોની સંખ્યામાં આગળ નીકળી જતાં સમગ્ર દેશમાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યાં છે. એક તરફ ડાબેરી ગઠબંધન ઉત્સવઘેલું બની ગયું છે ત્યારે જમણેરી ગઠબંધનના સભ્યો તેમની સામે પડતાં મારામારી શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર ટાયરો બાળી આગ ફેલાવી રહી છે. જ્યારે પાટનગર પેરીસના સ્ટાલીનગ્રાડ-સ્કવેરમાં તો સામસામા મોલોરોવ-કોકટેઇલ્સ (શીશામાં પેટ્રોલ ભરી તેમાં જાડી વાટ નાખી તે સળગાવી તે શીશો ફેંકાતાં આગ ભડકી ઉઠે છે) અને સ્મોક બોમ્બસ ફેંકી રહ્યાં છે.
પાટનગર પેરિસ સહિત દેશના અન્ય તમામ શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે.
ફ્રાંસમાં આ વખતે કોઈપણ પાર્ટીને કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. ડાબેરી પક્ષોનો દાવો છે કે તેઓ જ સરકાર રચી શકે તેમ છે તે સામે મેરીનલ પેનલનાં નેતૃત્વ નીચેનું જમણેરી ગઠબંધન નેશનલ રેલી પરાજિત થયું છે પરંતુ તેનું કહેવું છે કે ડાબેરીઓનાં ગઠબંધનને પણ સાદી બહુમતી પણ મળી નથી, તેથી તેમનો દાવો ખોટો છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોની સેન્ટરિસ્ટ-પાર્ટી ડાબેરી ગઠબંધન ન્યુ પોપ્યુલર ફ્રન્ટ સાથે જોડાયેલી છે. મેક્રોં પોતે તોફાનોનો વિરોધ કરે છે જે સહજ છે. પરંતુ યુરોપના આ સૌથી વધુ ફળદ્રૂપ દેશમાં બેકારી અને મોંઘવારીએ ભરડો લીધો હોવાથી જન-આક્રોશ ફાટી નીકળ્યો છે.
પેરિસના માર્ગો ઉપર હજ્જારો લોકો સતત નારાઓ લગાડતા નીકળી પડયા છે નારા છે દરેકે દરેક ફાસીસ્ટને ધીક્કારે છે. (ફાસીઝમ તે કટ્ટર જમણેરી અને અંધ રાષ્ટ્રવાદી મત છે)
વડાપ્રધાન ગેબ્રિયન અટ્ટલે આજે સાંજે પ્રમુખ મેક્રોને પોતાનું ત્યાગપત્ર આપી દીધું છે.
ફ્રાંસની ૫૭૭ બેઠકોની નેશનલ એસેમ્બ્લીમાં બહુમતી માટે ૨૮૯ બેઠકો મળવી જરૂરી છે તેથી આ ડાબેરી ગઠબંધનને ઓછી બેઠકો મળી છે પરંતુ તે સૌથી મોટું જૂથ હોવાથી શાસન માટે દાવો કરે છે.
આવા સમયે પ્રમુખ મેક્રો આ સપ્તાહે વોશિંગ્ટનમાં યોજાનારી નાટો દેશોની પરિષદમાં હાજરી આપવા જવાના છે. ત્યારે હજી તે નિશ્ચિત નથી કે દેશમાં વડાપ્રધાન કોણ બનશે ? અત્યારે તો ફ્રાંસમાં રાજકીય પક્ષઘાત જેવી સ્થિતિ પ્રવર્તે છે.
નિરીક્ષકો તેમ પણ કહે છે કે અમેરિકામાં પણ એક તરફ અસામાન્ય સ્વર્ગસમી સમૃદ્ધિ છે તો બીજી તરફ લાખ્ખો લોકો દારૂણ-દારિદ્રયમાં ભીંસાઈ રહ્યાં છે. ત્યાં પણ અસંતોષનો જ્વાળામુખી ક્યારે ફાટશે તે કહી શકાય તેમ નથી.