જ્યાં સુધી અમે તમામ લક્ષ્યો સિદ્ધ નહીં કરીએ, ત્યાં સુધી ગાઝામાંથી સેના નહીં હટે
- ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂનો હુંકાર
- યુદ્ધ વિરામ માટે હમાસે બે શર્તો મૂકી હતી (૧) ઇઝરાયેલી સેના હટી જાય (૨) હમાસના કહેવાતા તમામ આતંકીઓને મુક્ત કરાય
તેલ અવીવ : ત્રીજા વિશ્વયુદ્ધ માટે પાઉડર કેગ બની રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અંત દેખાતો નથી. ૪ માસથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં ગાઝામાંથી સેના હટાવવાનો નેતન્યાહૂએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સાથે, હમાસ જૂથના કહેવાતા હજારો આતંકીઓને જેલમાંથી મુક્ત કરવાનો નકાર ભણી દીધો છે. તેઓએ કહી દીધું : સેના પાછી નહીં ફરે. બંદીવાન આતંકીઓને મુક્ત નહીં જ કરાય.
વાસ્તવમાં યુદ્ધ વિરામ માટે, હમાસે બે શર્તો મુકી છે : (૧) ઇઝરાયલી સેના હટી જાય અને (૨) હમાસના કહેવાતા હજ્જારો આતંકીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવે. પરંતુ ઇઝરાયલે તે શર્તોનો સ્પષ્ટ અસ્વીકાર કરતાં કહી દીધું છે કે, જયાં સુધી અમે અમારા તમામ લક્ષ્યો સિદ્ધ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ વિરામ પણ નહીં થાય.
નિરીક્ષકોનું કહેવું છે કે તમામ લક્ષ્યો એટલે ઇઝરાયલ સમગ્ર સિનાઈ પેનિસ્યુલા ઉપરનો કબજો અને વેસ્ટ બેન્કમાં પણ રહેલા પેલેસ્ટાઇની વિસ્તારો ઉપરનો કબજો તેમ તો માનતું નહીં હોય ? જો આમ થાય તો ઇજીપ્ત સાથે જ યુદ્ધ થઈ જાય. કારણ કે સિનાઈ પેનિસ્યુલા તો ઇજીપ્તનું છે. પરંતુ અમેરિકા સહિત પશ્ચિમના દેશોની પ્રચંડ તાકાતનું બળ પામેલું ઇઝરાયલ શું કરશે તે કરતાં શું નહીં કરે તે પ્રશ્ન છે.
આ યુદ્ધમાં ઇઝરાયલે નવી રણનીતિ અપનાવી છે. વેસ્ટ બેન્કની એક હોસ્પિટલમાં આશ્રય લઈ રહેલા હમાસ આતંકીઓને મારવા માટે તેના સૈનિકો તબીબો અને સામાન્ય નાગરિકોના વેશમાં ઘૂસી ગયા અને ત્યાં રહેલા હમાસના ૩ આતંકીઓને પોતાની પાસે રહેલી રીવોલ્વરથી ઠાર માર્યા હતા.
આ વિનાશક યુદ્ધને લીધે ગાઝા શહેર ખંડેર થઈ ગયું છે. હજી સુધીમાં ૨૬,૭૫૧ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હોવાનું નોંધાયું છે. જયારે ૬૫,૬૩૬ ઇજાગ્રસ્ત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. ૨૪૯ ઘાયલ થયા છે.
ગાઝા પટ્ટીમાં તો અત્યારે અન્ન-જળની પણ અછત ઉભી થઈ છે. હજ્જારો ભૂખમરાની સ્થિતિમાં જીવે છે. પાણીનાં પણ ફાંફા છે અને આ બધુ સુધરેલી કહેવાતી પશ્ચિમ કે પૂર્વની સત્તાઓ નિ:શબ્દ બની જોઈ રહી છે.