શ્રીલંકામાં અનરાધાર વર્ષા અનેક વિસ્તારો જળમગ્ન, 3નાં મૃત્યુ 1 લાખથી વધુ વિસ્થાપિત
- મહાવલે ગંગા સહિત તમામ નદીઓમાં પ્રચંડ પૂર
- અસાધારણ વર્ષાને લીધે શાળાઓમાં રજા અપાઈ : અસંખ્ય ઘરો, ખેતરો જળબંબાકાર : માર્ગો નદીમાં ફેરવાઈ ગયા
કોલંબો : શ્રીલંકામાં અસામાન્ય વર્ષાને લીધે તેની ઉત્તરની સૌથી મોટી નદી મહાવેલ- ગંગા સહિત દરેકે દરેક નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા છે, પાટનગર કોલંબો અને તેના ઉપનગરો સહિત તમામ શહેરોમાં સ્કૂલોમાં રજા અપાઈ છે. દેશના લગભગ તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. અસંખ્ય ઘરો, ખેતરો જળમગ્ન બની ગયા છે. માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે.
પૂરને લીધે હજી સુધીમાં ૩નાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ આંક ઘણો વધવાની ભીતિ સત્તાવાળાઓ સેવી રહ્યા છે.
આ પૂરને લીધે આશરે ૧ લાખ ૩૪ હજારથી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. સરકાર તેમને સલામત સ્થળે ફેરવવા પ્રયત્નશીલ છે. તેઓને માટે ફૂડ પેકેટ પણ પહોંચાડાઈ રહ્યા છે. કોલંબોમાં ૨૪૦ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમાંથી આશરે ૭ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સરકારે વીજ પ્રવાહ બંધ કરી દીધો છે. જેથી કોઈને આંચકો ન લાગે.
શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમના સાબારાગામુવા, ઉત્તર પશ્ચિમ તથા ઉપરના પ્રાંતો જેવે કે ગેલે અને મનારા જિલ્લામાં તો ૧૦૦ મી.મી.થી પણ વધુ વરસાદ થયો છે. પીડિતોને બચાવવા નૌકાદળ અને ભૂમિદળના જવાનો કામે લાગી ગયા છે. તેઓને ભોજન વગેરે સામગ્રી પૂરી પાડી છે. ટી.વી. ચેનલો જે સ્થિતિ દર્શાવે છે તે પ્રમાણે પાણી, ઘરો અને દુકાનોની છતો સુધી પહોંચી ગયું છે. મે મહિનાથી જ ત્યાં શરૂ થયેલી વર્ષા ઋતુ હજી ચાલુ જ છે. જૂનમાં પણ અસામાન્ય વર્ષા થઈ હતી. તે સમયે ત્યાં ૧૬નાં મૃત્યુ થયા હતા.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડે શ્રીલંકાને સહાય કરવા કેન્દ્રીય આપત્તિકાલન સહાયદળોને ત્યાં મોકલવા તૈનાત કરી દેવાયા છે.