ઇમરાન ખાનની મુક્તિ માટે યોજાયેલી અભૂતપૂર્વ કૂચ : પોલીસે અશ્રુવાયુનો બેફામ ઉપયોગ કર્યો
- ઇસ્લામાબાદ ફરતી અભેદ્ય કિલ્લેબંધી
- અશ્રુવાયુના પ્રચંડ હુમલાને લીધે વિપક્ષી નેતા ઓમર અય્યુબ અને ખૈબર પખ્તુનવાના મુ.મં અવિ-અમીન ગંડરપુરને પણ હટવું પડયું
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુકિતની માગણી કરતા ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ- ઇન્સાફ (પી.ટી.આઈ.)ના કાર્યકરો અને સમર્થકોએ યોજેલી અભૂતપૂર્વ કૂચને ઇસ્લામાબાદમાં પ્રવેશતા અટકાવી હતી. દરમિયાન પાટનગરને તો પોલીસે કિલ્લેબંધીમાં જ ફેરવી નાખ્યું હતું.
આ જન આક્રોશ રેલી લાહોરથી શરૂ કરી દેશના વિવિધ શહેરોમાંથી નીકળી હતી. તેમાં અગ્રીમ નેતાઓ મોટરોમાં બેસી આગળ વધ્યા હતા. ધીમે ધીમે ચાલતી આ મોટરોની બંને બાજુએ પીટીઆઈના કાર્યકરો, સમર્થકો અને જનસામાન્યના અગ્રણીઓ જોડાયા હતા. રેલીનું નેતૃત્વ પીટીઆઈના નેતા ઓમર અય્યુબ અને ખૈબર પખ્તુનવા (સરહદ) પ્રાંતના મુખ્ય મંત્રી અલિ અમીન ગંડપુરે લીધું હતું. પરંતુ ટીયર ગેસના બેફામ પ્રયોગથી તેઓને પણ થંભી જવું પડયું હતું.
અટક બ્રીજ, કચ ઇન્ટરચેન્જ અને ગાઝી બરોથા કેનાલ તરફના માર્ગોએ - ત્રણ તરફથી આ કૂચ આગળ વધી હતી. પરંતુ ત્રણે બાજુએ પોલીસે લોખંડી આડસો ઊભી કરી. એક પછી એક ટીયરગેસના ટેટા ફોડતાં રેલીને થંભી જવું પડયું હતું. અટક બ્રીજ પાસે રેલી અટકી ત્યારે ત્રણે તરફથી આવેલા રેલીના સભ્યોને કહ્યું હતું કે, આપણે અત્યારે અટકયા છીએ પરંતુ પછીથી આગળ વધીશું જ. જ્યારે ઇમરાન ખાનના પત્ની બુશરા બીબી અકળાયા હતાં. તેઓએ કરવાને આગળ વધવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે, 'આપણે નકામો સમય બગાડી રહ્યાં છીએ.'