આ દેશમાં ૧૬થી ઓછી ઉંમર હશે તો હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખુલશે નહીં
બાળકોની ઓનલાઇન સુરક્ષાને લઇને વાલીઓ ખૂબજ ચિંતિત બન્યા છે.
એકસ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવાબદારી
મેલબોર્ન,૮ નવેમ્બર,૨૦૨૪,શુક્રવાર
ઓસ્ટ્રેલિયાની સરકારે એક કાયદો તૈયાર કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ માટે ઓછામાં ઓછી ઉંમર ૧૬ વર્ષ કરી છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓને ઉંમરની મર્યાદાનું પાલન કરવા સમજાવાશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બનીજીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા બાળકો માટે નુકસાનકારક સાબીત થઈ રહ્યું છે માટે હવે અટકાવવાનો સમય પાકી ગયો છે.
આ અંગે અનેક માતા પિતા અને વાલીઓ સાથે વાત થઈ છે. બાળકોની ઓનલાઇન સુરક્ષાને લઈને તેઓ ખૂબ જ ચિંતિત બન્યા છે. આ કાયદાનું પાલન કરવાની જવાબદારી વાલીઓની નહી પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મની હશે. આ બિલ ૧૮ નવેમ્બરના રોજ શરુ થઈ રહેલા સંસદીય સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. કાયદો પસાર થયાના ૧૨ મહિના પછી ઉંમરનું બંધન લાગુ પડી જશે. આ સાથે જ એકસ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ ઓસ્ટ્રેલિયન બાળકો રજીસ્ટ્રેશન ના કરે તેની કાળજી રાખવી પડશે.
ઓસ્ટ્રેલિયાની સરકારે ઇ સેફટી કમિશ્નરની નિયુકિત કરવાનું નકકી કર્યુ છે જે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર માર્ગદર્શન આપશે એટલું જ નહી નિયમોનું પાલન કરવાનું સુનિશ્ચિત કરશે. સંચારમંત્રી મિશેલ રોલેન્ડના જણાવ્યા અનુસાર કાયદાના અમલ માટે એક વર્ષનો સમય આપવો એ સ્વભાવિક અને વ્યહવારિક પણ છે. ઓસ્ટ્રેલિયાના વિપક્ષોએ પણ આ કાયદાને સૈધાંતિક રીતે સમર્થન આપ્યું છે.
વિપક્ષના સાંસદ પોલ ફેલેચરે કહ્યું હતું કે પ્લેટફૉર્મ પાસે પહેલાથી જ આને લગતી ટેકનિક ઉપલબ્ધ છે માત્ર તેને લાગુ કરવા માટે ઇચ્છાશકિત અને ખર્ચ ઉઠાવવાની આવશ્યકતા છે. જો કે સોશિયલ મીડિયા કંપનીઓએ પ્રતિબંધના સ્થાને ઉંમર પ્રમાણેનો સુરક્ષિત માહોલ ઊભો કરવાની અને ડિજિટલ સાક્ષરતા વધારવા પર ભાર મૂક્યો છે. ૧૪૦થી વધુ ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ઉંમરની મર્યાદાને કઠોર પગલું ગણાવ્યું છે.