સંયુક્ત રાષ્ટ્રએ શેખ હસીનાને બાંગ્લાદેશ હિંસા માટે જવાબદાર ગણાવ્યાં, 1400 લોકોના મોતનો દાવો
Bangladesh Violence UN Report : સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બાંગ્લાદેશમાં થયેલી હિંસા-પ્રદર્શન મામલે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રએ હિંસા મુદ્દે શેખ હસીનાને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે, ‘બાંગ્લાદેશની પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે ગત વર્ષે દેખાવકારો પર આયોજનબદ્ધ હુમલા અને હત્યા કરાવી હતી, જે માનવતા વિરુદ્ધનો ગુનો હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરેલો રિપોર્ટ માનવાધિકાર કાર્યાલયમાં સોંપેલો છે, જેમાં કહેવાયું છે કે, વડાંપ્રધાન શેખ હસીનાની સરકારે દેખાવો પર દમન કર્યું છે. આ દરમિયાન ખોટી રીતે અનેક હત્યાઓ થઈ છે.
હત્યા પાછળ હસીના સરકાર, પાર્ટી, સુરક્ષા-ગુપ્તચર એજન્સીનો હાથ
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ-2024 વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે, પૂર્વ સરકાર દ્વારા હત્યા, ત્રાસ, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે, જેમાં શેખ હસીનાની સરકાર, તેમની આવામી લીગ પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો.
1400 લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત
યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ દેખાવો થયા હતા. ત્યારબાદ શેખ હસીનાના રાજીનામાની માંગ થઈ હતી. રિપોર્ટમાં અંદાજો લગાવાયો છે કે, લગભગ 1400 લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સુરક્ષા દળોની ફાયરિંગના કારણે મોટોભાગના લોકોના મોત થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. મૃતકોમાં 12થી 13 ટકા બાળકો હતા.
આ પણ વાંચો : અમેરિકન ઉપપ્રમુખના દીકરાના બર્થ-ડેમાં સામેલ થયા પીએમ મોદી, વેન્સે આભાર વ્યક્ત કર્યો
મહિલાઓ અને બાળકો પર હિંસા-અત્યાચાર
રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે, સુરક્ષા દળોએ શેખ હસીના સરકારનું સમર્થન કર્યું હતું અને દેખાવોને દબાવવા માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો, જેમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને બાળકો પર અત્યાચાર સામેલ છે. પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ બાળકોને માર માર્યો અને તેમની અમાનવીય પરિસ્થિતિમાં ધરપકડ કરી ત્રાસ ગુજાર્યો હતો.
હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટર્કે કહ્યું કે, ‘જન વિરોધનો સામનો કરી રહેલી પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે સુઆયોજિત અને સંકલિત વ્યૂહરચના ઉભી કરી બર્બરતા અપનાવી હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રાજકીય નેતૃત્વ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની જાણમાં હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ થઈ.