સં.રા.ની મહાસભા સંપન્ન : મ.પૂ.માં યુદ્ધ વકરવાની આશંકા સાથે વિશ્વના નેતાઓ ભારે મને છૂટા પડયા
- આ વર્ષની મહાસભા પર ચિંતાની છાયા સતત પથરાઈ હતી
- હમાસ, હિઝબુલ્લાહ, હુથી, સુદાન અને યુક્રેન મગજમાં ચકરાવા લે છે, આમ છતાં ઉજ્જવળ ભવિષ્યનો આશા તંતુ થામી રહી છૂટા પડયા
સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા સંપન્ન થઈ છે. મધ્ય પૂર્વમાં વકરી રહેલી પરિસ્થિતિની આશંકા સાથે વિશ્વના નેતાઓ ભારે મને સ્વદેશ જવા રવાના થઈ રહ્યા છે, પરંતુ હમાસ, હિઝબુલ્લાહ, હુથી, સુદાન, યુક્રેન અને દૂર પૂર્વમાં તાઈવાન સમુદ્રધૂનીનાં વમળો તેઓના મનમાં ચકરાવા લઈ રહ્યાં છે.
આ સંયોગોમાં મન મનાવવા ઉજ્જવળ ભવિષ્યનો આશા તંતુ પકડી તેઓ પોત પોતાને દેશ રવાના થઈ રહ્યા છે.
વાત તો સીધી અને સાદી હતી આ નેતાઓ સમુહમાં કે વ્યક્તિગત નાની આપસી ગોષ્ટીમાં પણ આ સંઘર્ષોમાંથી કોઈ માર્ગ તત્કાળ નીકળવાની બાબત મુખ્ય મુદ્દો બની રહી હતી.
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા તો મળે જ છે, પરંતુ આ વર્ષે તો મહાસભા ઉપર ચિંતાની છાયા પથરાઈ ગઈ હતી. તેમાંયે મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે જ્યારે કહ્યું કે, આપણે વિશ્વને (વિનાશની) કગાર પરથી બહાર ખેંચવાનું છે, ત્યારે ઘડીભર તો સભાખંડમાં સોંપો પડી ગયો હતો.
ગુટેરસના પ્રવચન પછી એક પછી એક નેતા બોલવા પોડીયમ પર પહોંચ્યા તેઓએ તેમના ભાષણમાં ઋતુ - પરિવર્તન, શ્રીમંત અને ગરીબ દેશ વચ્ચે વધી રહેલી ખાઈ તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં ભય સ્થાનો તથા સતત વધી રહેલી વિનાશક શસ્ત્રોની સંખ્યા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. મહાસભા સંપન્ન કરતાં સોમવાર બપોરે મહાસભાના પ્રમુખ પદે રહેલા ફીલેમોન યાંગે આ વખતની પરિષદને અશાંતિભરી કહેવા સાથે આવી રહેલા સંઘર્ષો પ્રત્યે સૌ કોઇનું ધ્યાન દોર્યું હતું.
ઉલ્લેખનીય તે છે કે આ વર્ષની મહાસભા ઉપર કોણ જાણે કેમ પણ ચિંતા અને શોકની છાયા પ્રસરી રહી હતી. દ્વિતીય વિશ્વ યુદ્ધ ૧૯૪૫માં પુરુ થવા આવ્યું ત્યારે સ્થપાયેલી આ મહાન સંસ્થા ઉપર મૂર્છિત અવસ્થામાંથી ફરી જાગૃત કેમ થવું તેની કાલીમા છવાઈ રહી હતી.