બાંગ્લાદેશમાં હિન્દુઓની મદદે આવી UNની ટીમ, લઘુમતીઓએ કહ્યું, ‘હત્યા-આગચંપી-હિંસાના આપીશું પુરાવા’
Image: IANS (file photo) |
UN help Bangladesh minorities : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ લઘુમતીઓ અને અન્ય લોકોની સામે થયેલી હિંસાની તપાસ માટે UNHRC ની ફેક્ટ ફાઇંડિંગ ટીમ રાજધાની ઢાકા પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્રનું આ પ્રતિનિધિમંડળ એક મહિના સુધી બાંગ્લાદેશમાં રહેશે. હિન્દુ લઘુમતી સમૂહો દ્વારા બાંગ્લાદેશના તમામ વિસ્તારોમાં હિન્દુ સમુદાય સામે અત્યાચારોના સતત રિપોર્ટ મળી રહ્યાં છે. આ સિવાય જમાત-એ-ઇસ્લામી અને આ પ્રકારના અન્ય ઉગ્રવાદી જૂથોના ઉદ્ભવના પણ અહેવાલો મળ્યાં છે.
હત્યા અને બર્બરતાના પુરાવા રજૂ કરશે
લઘુમતીઓ અને અન્ય લોકોની સામે અત્યાચારોની તપાસ કરવા માટે બાંગ્લાદેશ આવેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના પ્રતિનિધિમંડળો હિન્દુ લઘુમતી સમૂહો સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હિન્દુ સમૂહોએ જણાવ્યું કે, તેઓ પ્રતિનિધિમંડળને મળશે અને 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન થયેલી હત્યા, બર્બરતા અને સાર્વજનિક તેમજ ખાનગી સંપત્તિને બાળી નાંખ્યાના પુરાવા રજૂ કરશે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વકર્યો : ટી-શર્ટ પહેરવા બદલ મહિલાઓને ડંડાથી મારી
UN ની ટીમ પાસે માંગ્યો સમય
બંગબંધુ ફાઉન્ડેશને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિમંડળને મળવા અને પુરાવા સાથે ફરિયાદ નોંધાવવા માટે સમય માંગ્યો છે. સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને પણ 'ઉચિત ન્યાય માટે 15 જુલાઈથી 15 ઓગસ્ટ, 2024 સુધી બાંગ્લાદેશમાં થયેલી હત્યા પર વિચાર કરવો' વિષય પર પત્ર લખ્યો છે.
પત્ર લખી કરી વિનંતી
પત્રમાં લખ્યુ હતું, 'અમને જાણીને ખુશી થઈ કે, યુનાઇટેડ નેશન હાઈ કમિશનનું કાર્યલય કોટા સુધાર આંદોલન દરમિયાન હાલમાં થયેલી હત્યાઓની તપાસ કરવા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારની મદદ કરી રહ્યું છે. 5 ઓગસ્ટ બાદ મોટી સંખ્યામાં હત્યાઓ કરવામાં આવી અને લઘુમતીઓના ઘર, ધાર્મિક સંસ્થાઓેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બાંગ્લાદેશ આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બર્બરતા કરવામાં આવી. આ દરમિયાન તમારા કાર્યાલયની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 16 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી 600 થી વધુ લોકોની હત્યા કરવામાં આવી. અમે વિનંતી કરીએ છીએ કે, સંયુક્ત રાષ્ટ્ર પોતાની ફોરેન્સિક અને હથિયાર નિષ્ણાંતો પાસેથી સમગ્ર ઘટનાક્રમ અને હત્યાઓની તપાસ કરાવે.'
આ પણ વાંચોઃ બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરોનો ઝારખંડ પર કબજો વધી રહ્યો છે : મોદી
હિન્દુ ગ્રુપ પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિમંડળને મળવાની યોજના બનાવી રહ્યાં છે. જો તેમને સમય આપવામાં આવશે તો તેઓ પુરાવા અને નિવેદન સાથે તેઓ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવશે.