યુક્રેનિયનો રશિયા સાથે સમાધાન માટે તૈયાર પરંતુ સૈનિકો ઇચ્છતા નથી, વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ
રશિયા યુદ્ધ વિરામમાં સૈન્યને નવેસરથી તૈયાર કરી શકે છે
યુક્રેન સૈન્ય માને છે કે દેશ માટે શહિદ વ્હોરનારા સૈનિકોના બલિદાનનું શું ?
વોશિંગ્ટન,૧૦ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર
યુક્રેન અને રશિયાની લડાઇ સમગ્ર દુનિયા માટે માથાના દુખાવા રુપ છે. બંને દેશોના ઝગડાએ દુનિયાની રાજકીય અને આર્થિક પરિસ્થિતિ પર પણ વિપરિત અસર જન્માવી છે.યુનાઇટેડ નેશન અને દુનિયાના અનેક દેશો શાંતિ સમાધાન ઇચ્છે છે પરંતુ તેની કોઇ ફોર્મ્યુલા જડતી નથી. આવા સમયે વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક સમાચાર મુજબ યુક્રેનીઓ રશિયા સાથે શાંતિ માટે તૈયાર છે પરંતુ સૈનિકો તૈયાર થતા નથી. શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકો અને રણ મોરચે લડતા સૈનિકો વચ્ચે ખાઇ ઉભી થઇ રહી છે. આથી તેઓ યુધ્ધની વાસ્તિવિક પરિસ્થિતિથી અજાણ છે.
યુક્રેનમાં કેટલાક જનમત સંગ્રહ અને સર્વેક્ષણો થયા છે જેમાં ધ્યાનમાં આવ્યું છે કે રશિયા પરની જવાબી કાર્યવાહી અને અસફળ હુમલાઓ પછી યુક્રેનમાં પણ શાંતિ વાટાઘાટો માટે સમર્થન ઉભું થઇ રહયું છે.જો કે રશિયાએ યુક્રેનના પચાવી પાડેલી જમીન છોડાવવા માટે સંઘર્ષ ચાલું રહેવો જોઇએ એમ પણ લોકો માને છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ એક મુખ્ય સમૂહ જે રશિયા સાથેના કોઇ પણ સોદા માટે નકારાત્મકતા ધરાવે છે. તાજેતરમાં થયેલા વધુ એક સર્વેક્ષણમાં યુક્રેનના ૮૨ ટકા સૈનિકો અને અનુભવી સૈન્ય અધકારીઓ રશિયા સાથે વાતચિત કે શાંતિ સમાધાન માટે તૈયાર નથી.
કેટલાક તો શાંતિ સંધિ થાય તો સશસ્ત્ર વિરોધ કરવાના પણ મૂડમાં છે. જો કે થર્ડ એયરબોર્ન અસૉલ્ટ બ્રિગેડના સૈન્ય કમાંડર એન્ડ્રી બિલેટ્સ્કીને ટાંકીને જણાવાયું છે કે સમાજમાં યુધ્ધનો થાક વધતો જાય છે.યુક્રેન કમસે કેમ તેના મહત્વપૂર્ણ વિસ્તારો પાછા મેળવી શકે છે આવી સ્થિતિમાં યુધ્ધને કઢંગી રીતે અટકાવી દેવામાં પણ ખતરો રહેલો છે.સેનાના અનેક લોકોને એવું લાગે છે કે જો શાંતિ સમજૂતી થાયતો પુતિન લડાઇના વિરામ સમયનો ઉપયોગ રશિયાની સેનાને નવેસરથી હથિયારબંધ કરીને યુક્રેન પર આક્રમણ માટે કરી શકે છે. રશિયાએ છેલ્લા ૩૦ વર્ષમાં અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું ઉલંઘન કર્યુ છે આથી તેની સાથેની સમજૂતી નકામી છે. જો સ્થાઇ શાંતિ જોઇતી હોયતો રશિયાને વધુને વધુ દર્દ આપવું જોઇએ. યુક્રેન જો રશિયાને પોતાના વિસ્તારો આપી દે તો દેશ માટે શહિદ વ્હોરનારા સૈનિકોનું બલિદાન વ્યર્થ જશે.