9/11ની જેમ, યુક્રેનનાં ડ્રોન્સ રશિયાનાં કાઝાનના એપાર્ટમેન્ટ ટાવર પર ત્રાટક્યાં
- શાંતિ મંત્રણાની વાત ઉડી જશે : યુદ્ધ પ્રચંડ બનશે
- આ પ્રચંડ પ્રહારથી જે ધડાકા થયા અને જે આગના ગોળા ઉડયા તેથી થોડા સમય પુરતું કાઝાનનું વિમાનગૃહ પણ બંધ કરાયું
મોસ્કો : શનિવારે અનેક વિસ્ફોટકો ભરેલાં યુક્રેનના ડ્રોન્સ રશિયાનાં કાઝાન શહેરનાં એપાર્ટમેન્ટ ટાવર્સ પર ત્રાટકતાં કેટલાયે ફ્લેટમાં આગ પ્રસરી ગઈ હતી. આ ડ્રોન વિમાનો કામીકાઝા પ્રકારનાં હતાં તેમ પણ જાણવા મળ્યું છે.
યોગાનુયોગ તે સમયે તે હાઈ રાઇઝ બિલ્ડીંગથી દૂર રહેલા કેટલાયે લોકોએ તે ધડાકા અને ભભૂકી રહેલી આગની તસ્વીરો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
આ ધડાકા એટલા પ્રચંડ હતા અને આગની જ્વાળાઓ એટલી વિસ્તૃત હતી કે આથી આંચકો ખાઈ ગયેલા કાઝાન એરપોર્ટના અધિકારીઓએ થોડા સમય પૂરતું તો કાઝાન એરપોર્ટ બંધ કરી દીધું હતું, અને એરપોર્ટ પરથી ઉપડતી અને આવતી ફ્લાઇટ રોકી રાખી હતી. તેમ રશિયાની એવિએશન સંસ્થા રોઝા વિએત્સિયાના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ હુમલા પછી તુર્ત જ ઇમર્જન્સી સર્વિસીઝ કાર્યરત થઇ ગઇ હતી. એપાર્ટમેટમાં વસતા નાગરિકોને સહિસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજી સુધીમાં કોઈ જાનહાની થયાના અહેવાલો મળ્યા નથી.
આ પછી રશિયન ડીફેન્સ મીનીસ્ટ્રીએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે તેની સીસ્ટમે યુક્રેનનું એક અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી) તોડી પાડયું હતું.
કાઝાન તે રશિયન ફેડરેશનમાં સંઘટક રાજ્ય તાર્તારાસ્તાનનું મુખ્ય શહેર છે. આ ઘટના પછી, યુક્રેન યુદ્ધ અંગેની શાંતિ મંત્રણા ઉપર પર્દો પડી ગયો છે તે નિશ્ચિત છે. તેમ વિશ્લેષકોનું સહજ રીતે કહેવું છે.
તે સર્વવિદિત છે કે પ્રમુખ પુતિને તો આ યુદ્ધ શરૂ થયાં પહેલાં જ જણાવ્યું હતું કે યુક્રેને નાટોમાં જોડાવાનો વિચાર જ છોડી દેવો જોઇએ. છતાં ઝેલેન્સ્કી માન્યા નહીં. પશ્ચિમના કહેવા પ્રમાણે ચાલ્યા. પરિણામે રશિયાએ આક્રમણ કરી યુક્રેનનો ૨૦ ટકા જેટલો વિસ્તાર જેમાં મહ્દઅંશે રશિયનભાષીઓ રહે છે. તે કબ્જે કરી લીધો છે. પ્રમુખ પુતિન કહે છે તે વિસ્તાર અમે છોડવા તૈયાર નથી, તો બીજી તરફ પશ્ચિમના કહેવાથી ઝેલેન્સ્કી, તે વિસ્તાર જતો કરવા તૈયાર નથી. તેઓ યુદ્ધ ઝનૂને ચઢ્યા છે.
ફેબુ્રઆરી ૨૪, ૨૦૨૨ના દિવસેે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું, દરમિયાન યુક્રેન ડ્રોન વિમાનો દ્વારા મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારોમાં હુમલા કર્યા જે પૈકી મોટા ભાગનાં ડ્રોન્સ તો તોડી પડાયાં છતાં ઝેલેન્સ્કી રશિયા સાથે ટક્કર લઇ રહ્યા છે.
ગુરૂવારે જ પ્રમુખ પુતિને કહ્યું હતું કે રશિયા, યુક્રેન યુદ્ધમાં સમાધાન માટે કોઈપણ પૂર્વ રાહત વિના સમાધાન કરવા તૈયાર છે. યુક્રેને માત્ર તેના સત્તાવાર પ્રતિનિધિઓને મંત્રણા માટે મોકલવા જોઇએ. બીજી તરફ અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ યુદ્ધનો અંત લાવવા તમામ પ્રયત્નો કરવા તૈયારી દર્શાવી છે. તેવામાં આ ભયંકર ઘટના બનતાં હવે શાંતિ મંત્રણાની તકો પણ દૂર દૂર સરી ગઈ છે. શાંતિ મંત્રણાની વાત જ કદાચ ઊડી જશે. યુદ્ધ પ્રચંડ બનશે તેમ પણ વિશ્લેષકો માને છે.