યુક્રેની સેનાના સ્નાઇપરે કર્યો વિશ્વ રેકોર્ડ, ૩.૮ કિમી દૂરથી સૈનિકને ઠાર માર્યો
છેલ્લા વિશ્વ રેકોર્ડ કરતા ૨૬૦ મીટરનું અંતર વધારે
અગાઉ ૨૦૧૭માં ઇરાકમાં આ અંતર ૩.૫૪ કિમીનું હતું
કીવ,૨૦ નવેમ્બર,૨૦૨૩,સોમવાર
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન -લેબનોન વચ્ચેનું યુધ્ધ શરુ થયું છે પરંતુ રશિયા અને યુક્રેનનું યુધ્ધ છેલ્લા ૬૩૫ દિવસથી ચાલે છે જે અટકવાનું નામ લેતું નથી. આ યુધ્ધ કયારે અને કેવી રીતે ખતમ થશે તે અંગે કોઇ કશું જ જાણતું નથી. યુક્રેન યુધ્ધમાં થતા કારનામાઓની કહાનીઓ સમયાંતરે બહાર આવતી રહી છે પરંતુ તાજેતરમાં યુક્રેનની સુરક્ષા સેવાએ કરેલા દાવા મુજબ યુક્રેની સેનાના સ્નાઇપર ૩.૮ કિમી દૂરથી રશિયન સૈનિકને ઠાર મારીને વિશ્વ રેકોર્ડ કર્યો છે.
કીવની સુરક્ષા સેવાએ યુક્રેની મીડિયાને જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ છેલ્લા વિશ્વ રેકોર્ડ કરતા ૨૬૦ મીટરનું અંતર વધારે છે. ન્યૂજવીકના એક રિપોર્ટ અનુસાર રેકોર્ડ બ્રેકિંગ શોટનો રેકોર્ડ ૩.૮ કિલોમીટર હતી તેની યુક્રેની સમાચાર આઉટલેટ્સે પુષ્ઠી કરી છે. અગાઉ ૨૦૧૭માં ઇરાકમાં આ અંતર ૩.૫૪ કિમીનો હતો. ૨૦૦૯માં બ્રિટીશ સ્નાઇપર ક્રેગ હેરિસને ૨.૪૭ કિમી દૂરથી અફઘાનિસ્તાનમાં એક તાલિબાને એક તાલિબાની લડવૈયાને ઠાર માર્યો હતો. આ તમામ રેકોર્ડ નાના લાગે તેવું પરાક્રમ યુક્રેની સ્નાઇપરે કર્યુ છે. જો કે આ અંગે રશિયાએ કોઇ જ પ્રતિક્રિયા આપી નથી.