શાંતિ મંત્રણા વચ્ચે યુક્રેનની ઉશ્કેરણીજનક હરકત : રશિયાની પાઈપલાઈન પર હુમલો, કઝાખને પણ અસર
Russia vs Ukrain War Updates | રશિયા-યુક્રેન યુદ્ધ પૂરુ કરવા માટે સાઉદી અરેબિયામાં અમેરિકા-રશિયા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક વચ્ચે યુક્રેને રશિયાને એવો ફટકો માર્યો છે કે રશિયાને તેમાથી બહાર આવતા મહિનાઓ લાગશે. યુક્રેનના આ ભીષણ હુમલામાં રશિયા ઉપરાંત પડોશી દેશ કઝાખસ્તાનને ફટકો પડયો છે. યુક્રેને કઝાખસ્તાનને ઓઇલ પૂરુ પાડતી પાઇપલાઇનનો નોંધપાત્ર હિસ્સો ઉડાવી દીધો છે.
યુક્રેનના ડ્રોન હુમલામાં પાઇપલાઇનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેના લીધે આગામી બે મહિનામાં નિકાસને સીધો ૩૦ ટકા ફટકો પડી શકે છે. સોમવારે સાત વિસ્ફોટકથી ભરેલા ડ્રોન કાસ્પિયન પાઇપલાઇન કોન્સોર્ટિયમ (સીપીસી)ના એક પમ્પિંગ સ્ટેશન સાથે અથડાયા હતા. આ પાઇપલાઇન કઝાખસ્તાનના ઓઇલને દક્ષિણ રુસ થઈને બ્લેક સી દ્વારા નિકાસ કરે છે. તેમા પશ્ચિમી યુરોપને પણ તેનો હિસ્સો પહોંચે છે. તેથી ઓઇલનો પુરવઠો ઘટતાં યુરોપને પણ તેના લીધે ફટકો પડી શકે છે.
લગભગ 1500 કિ.મી. લાંબી પાઇપલાઇન એક કોન્સોર્ટિયમનો હિસ્સો છે. રશિયાને પણ આ પાઇપલાઇન તેને ત્યાંથી પસાર થેવા દેવા બદલ નોંધપાત્ર ફી મળે છે. તેમા રશિયા અને કઝાખસ્તાનની સરકારોની સાથે-સાથે પશ્ચિમી કંપનીઓ જેવી કે શેવરોન, એક્સોનમોબિલ અને શેલ પણ સામેલ છે. આ પાઇપલાઇન કઝાખસ્તાનના કુલ ઓઇલ નિકાસમાં ૮૦ ટકાનું વહન કરે છે. તેની સાથે તે વૈશ્વિક સપ્લાયરમાં એક ટકા હિસ્સાનો ફાળો આપે છે. ટ્રાન્સનેફ્ટ મુજબ આ પાઇપલાઇનથી ગયા વર્ષે 63 મિલિયન ટન ઓઇલનું વહન કરાયું હતું. તેમા લગભગ ૭૫ ટકા હિસ્સો પશ્ચિમી કંપનીઓ દ્વારા પંપ કરાયો હતો.
રશિયાએ પણ યુક્રેન પર ડ્રોન હુમલા જારી રાખ્યા છે. યુક્રેનના લશ્કરનું કહેવું હતું કે રશિયાના ૧૭૬ ડ્રોન ત્રાટક્યા હતા. તેમાના મોટાભાગના ડ્રોન ખતમ કરી દેવાયા હતા અથવા જામ કરી દેવાયા હતા.
યુક્રેનમાં યુદ્ધ સમાપ્તિ માટે સાઉદી અરેબિયામાં રિયાધ ખાતે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. આમ ત્રણ વર્ષ પછી અમેરિકા-રશિયાએ પહેલી વખત સંવાદ કર્યો. આ બેઠક રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને સમાપ્ત કરવાને લઈ હતી. આ બેઠક પૂરી થયા પછી યુદ્ધની સમાપ્તિ અંગે તો કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ બંને દેશ સંવાદ જારી રાખવા સંમત થયા છે. આ ઉપરાંત યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશ સંયુક્ત રીતે કામ કરવા સંમત થયા છે અને તેના માટે બંનેની સંયુક્ત ટીમ પણ બનાવશે.
આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધ યુક્રેનનું છે તો પણ જાણે તે ત્રીજું પક્ષકાર હોય તેમ ઝેલેન્સ્કીને કોરાણે મૂકીને રશિયા-અમેરિકાએ વાત કરી છે. આમ ટ્રમ્પે બાઇડેનની નીતિનું સીધું શીર્ષાસન કર્યુ છે. ટ્રમ્પે એક ડગલું આગળ વધીને અમેરિકા-રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો પૂર્વવત્ બનાવવાની પણ સંમતિ આપી દીધી છે. તેની સાથે રશિયાની સાથે સંવાદની લગભગ બધી જ ચેનલો શરુ કરવાનું જણાવી દીધું છે. જો કે પુતિન અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત હજી સુધી નક્કી થઈ નથી. આ બેઠક ચાર કલાક ચાલી હતી. આના પગલે શાંતિ તો સ્થપાઈ નથી, પરંતુ આ દિશામાં પગલાં લેવાવા માંડયા છે.
ઝેલેન્સ્કી આ બેઠકમાં હાજર રહેવા માટે આવવાના હતા, પરંતુ આ બેઠક રશિયા-અમેરિકાના વિદેશપ્રધાનો સહિતના અધિકારીઓ વચ્ચે યોજાવવાની હોવાથી પછી તે આવ્યા ન હતા અને હવે તે દસમી માર્ચે રિયાધ આવશે. આ બેઠકનો મુખ્ય ભાર રશિયા-અમેરિકા વચ્ચેના સંબંધોને સુધારીને પૂર્વવત્ કરવાનો હતો. યુક્રેન યુદ્ધ આ ચર્ચાનો એક હિસ્સો હતો. આ બેઠકથી ખુશ હોય તો રશિયા હતુ, કારણ કે અમેરિકા તેની સાથે વાત કરવા તૈયાર થયું હતું. આ બેઠક પછી યુરોપમાંથી ફ્રાન્સના મેક્રોએ ટ્રમ્પ સાથે વાત કરી હતી. ટ્રમ્પે તેમની સાથે વાત કરીને શાંતિ માટની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આજે (મંગળવારે) જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો હું યુક્રેનના પ્રમુખ વોલેદીમીર ઝેલેન્સ્કી સાથે મંત્રણા કરવા તૈયાર છું.