ટ્રમ્પની જીતથી યુદ્ધ લડી રહેલા આ દેશના રાષ્ટ્રપતિનું ટેન્શન વધ્યું, સૈન્ય સહાય બંધ કરે તો ખેલ ખતમ!
US Role in Russia-Ukraine War: અમેરિકાની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતે યુક્રેનને ચિંતામાં મૂકી દીધું છે. હકીકતમાં, રશિયા સામે આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં યુક્રેન વિદેશી સૈન્ય સહાયતા પર નિર્ભર છે. વિશેષ રૂપે અમેરિકા પર. ટ્રમ્પ રશિયા સામે યુદ્ધમાં યુક્રેનને મળતી અમેરિકન સૈન્ય અને આર્થિક મદદની ટીકા કરતાં રહ્યાં છે. રાષ્ટ્ર પ્રમુખના પદ માટે રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી હાંસલ કર્યાં બાદ પોતાના પહેલાં સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી પર પ્રહાર કરતાં ટ્રમ્પે તેઓને એક શાનદાર 'સેલ્સમેન' જણાવ્યું હતું. ટ્રમ્પ પોતાના ચૂંટણાી અભિયાન દરમિયાન આ મુદ્દાને વારંવાર ઉપાડી રહ્યાં હતાં કે, બાઇડેનનું વહીવટીતંત્ર નાગરિકોના ટેક્સના પૈસા તેમની પર ખર્ચવાની બદલે, યુદ્ધમાં બીજા દેશોની મદદ કરવામાં ખર્ચી રહ્યું છે.
ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'અત્યાર સુધીના તમામ નેતાઓમાં ઝેલેન્સ્કી સૌથી શાનદાર સેલ્સમેન છે. દરેક વખતે તે આપણાં દેશમાં આવે છે અને 60 બિલિયન ડોલર લઈને જતાં રહે છે. તે ચાર દિવસ પહેલાં અમેરિકા પાસેથી 60 બિલિયન ડોલર લઈને ઘરે પહોંચ્યા અને ત્યાં પહોંચીને ફરી એલાન કર્યું કે, તેમને 60 બિલિયન ડોલરની મદદ જોઈએ છે. આ ક્યારેય ખતમ જ નહીં થાય.' ટ્રમ્પે દાવો કર્યો હતો કે, 'હું રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી જીત્યા બાદ સત્તા હસ્તાંતરણ પહેલાં જ આ મામલો ઉકેલી દઈશ. હું 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકુ છું. બાઇડેનના પ્રશાસને આ યુદ્ધ રોકવા માટેના કોઈ પ્રયાસ નથી કર્યાં.'
ઝેલેન્સ્કીએ પાઠવી શુભકામના
યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બુધવારે ટ્રમ્પની જીત પર તેમને શુભકામના આપી અને કહ્યું કે, 'અમને આશા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બનવાથી યુક્રેનમાં શાંતિ આવશે.' પરંતુ, ભૂતકાળ પર નજર નાંખીએ તો ટ્રમ્પના સહયોગીઓએ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વિવાદિત વિસ્તાર રશિયાને સોંપવાની સલાહ આપી છે. ટ્રમ્પના સહયોગી જેડી વેન્સ અમેરિકાના નવા ઉપપ્રમુખ બનશે. જેડી વેન્સે થોડા સમય પહેલાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મને યુક્રેનના ભાગ્યની પરવાહ નથી. આ સિવાય અમેરિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓએ ઘણીવાર કહ્યું કે, ટ્રમ્પ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરી શકે છે.
મળતી માહિતી મુજબ, અમુક યુક્રેનના અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી આગામી અમેરિકન સરકારને લઈને આશાવાદી છે અને તેઓએ વેઇટ એન્ડ વૉચની નીતિ અપનાવી છે. યુક્રેન માટે અમેરિકન સમર્થન સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે, પ્રમુખ કોણ છે. જોકે, ઘણાં લોકોનું એવું માનવું છે કે, પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નહીં બદલાય પરંતુ, રશિયા સાથે યુદ્ધમાં બાઇડેન પ્રશાસન કરતાં વધુ મદદ કરશે તેવી સંભાવના નહીંવત છે.