યુક્રેન : સૈનિકો રણમેદાન છોડી રહ્યા છે યુક્રેનની સેનામાં ગભરાટ ફેલાઈ રહ્યો છે
- રશિયા આગળ વધતું જાય છે
- જેઓ પાછા ફરે છે તેઓને 'માફી' આપવામાં આવે છે સેના છોડનારા મોટા ભાગના તાલિમ વગરના સૈનિકો છે
નવી દિલ્હી : યુક્રેનનાં લશ્કરમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. રશિયન સૈન્ય આગળ વધી રહ્યું છે. તેને રોકવાના જાનની બાજી લગાવીને પણ કરેલા પ્રયત્નો નિષ્ફળ થતા જાય છે. પરિણામે એક પછી એક સૈનિકો રણભૂમિ છોડી રહ્યાં છે. રણભૂમિ છોડનારાઓ પૈકી મોટા ભાગના તો તેવા છે કે જેઓને ખેતરોમાંથી બોલાવી નામ માત્રની શસ્ત્ર ચલાવવાની તાલીમ આપી. રણમેદાનમાં ધકેલી દેવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ જેઓ પોતાની ઈચ્છાથી યુદ્ધમાં જવા તૈયાર થયા હોય. (જેઓ સેનામાં જોડાયા નથી હોતા છતાં યુદ્ધમાં જવા તૈયાર હોય) તેમને તેમનાં કુટુમ્બીજનો પણ સેના સાથે જોડાવાની 'ના' કહી રહ્યાં હોય છે.
આવા આ સૈનિકો પૈકીના એક ઓલેકઝાન્ડરે ફ્રન્ટ લાઇન ઉપરથી અચાનક સેના છોડી દીધી. તેનું કહેવું હતું કે, તેણે છ-છ મહિના સુધી રશિયન બોમ્બાર્ડમેન્ટથી તેના સાથી સૈનિકોના ફૂરચા ઉડતા જોયા હતા.
આ યુદ્ધના શરૂઆતના દિવસોમાં પૂર્વ ઉત્તરના લુસાન્ક વિસ્તારમાં તેને યુદ્ધ મોરચે મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેણે જોયું કે તે મોરચાનો ઓફીસર કમાન્ડીંગ પોતે પણ પોતાના સૈનિકોને મૃત્યુનાં મુખમાં ધકેલતા પૂર્વે થોડો અચકાતો હતો.
આ પછી ઓકેઝાંડરે પોતાને છટકવા માટેની યોજના વિચારી લીધી તેણે તેના કેટલાક સાથીઓને કહ્યું, 'તમો પણ છટકાવી યોજના વિચારી રાખો.'
ઓલેકઝાન્ડરનો સંપર્ક સાધતાં તેણે પત્રકારોને કહ્યું, 'અમારે જીવવું હતું. અમને યુદ્ધનો કોઈ અનુભવ જ ન હતો. અમે તો ખેતરોમાં કામ કરનારા સામાન્ય ખેડૂતો છીએ. અમોને નામ માત્રની શસ્ત્ર તાલિમ આપી રણ મોરચે ધકેલવામાં આવ્યા છે.'
ઓલેકઝાન્ડરે લીધેલું આ પગલું સહજ રીતે યુક્રેનના લશ્કરી અધિકારીઓ માટે ચિંતાજનક છે. યુક્રેનની સેના એક તરફ રશિયાના બોમ્બાર્ડમેન્ટથી માનવબળ ગુમાવી રહી છે, તો બીજી તરફ તેની સેનામાં જ 'પલાયનવાદ' મહારોગની જેમ ફેલાઈ રહ્યાં છે. રશિયાનું માનવબળ વિશાળ છે. તેની શસ્ત્ર સામગ્રી અખૂટ છે.
નીરિક્ષકો કહે છે કે પશ્ચિમની સત્તાઓએ ઝેલેન્સ્કીને ચઢાવી દીધો. બલિનો બકરો બનાવી દીધો છે. મૂળભૂત રીતે હાસ્ય કલાકારમાંથી પ્રમુખપદે પહોંચેલા ઝેલેન્સ્કીને વિચાર જ આવ્યો નહીં કે રશિયા સામે યુદ્ધ છેડાતાં શી આફતો આવશે. અમેરિકા સહિત પશ્ચિમી સત્તાઓએ યુક્રેનને 'બલિનો બકરો' બનાવી દીધો છે. સેનામાંથી સૈનિકો નાસી રહ્યાં છે. જેઓ પૈકી કોઈ કોઈ પાછા ફરે છે. તેને સજા કરવાને બદલે માફી અપાય છે. (નહીં તો 'ડેઝર્શન'ની સજા ૧૨ વર્ષની કેદની હોય છે.)