રશિયા સામે યુક્રેનને હારથી બચાવવા જર્મની અને ફ્રાંસ આગળ આવ્યા, અબજો ડોલરની લશ્કરી સહાયની જાહેરાત
image : Twitter
પેરિસ,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
રશિયા સામે પીછેહઠ કરી રહેલા યુક્રેનને કોઈ પણ સંજોગોમાં હારથી બચાવવા માટે પશ્ચિમના દેશો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને હવે ફ્રાંસ અને જર્મનીએ સુરક્ષા કરાર કરીને સમર્થન આપ્યુ છે. 28 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને બે વર્ષ પૂરા થશે ત્યારે આ કરારને મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.
ફ્રાંસ અને જર્મનીએ યુક્રેન આ યુધ્ધ હારે નહીં તે માટે મદદ કરવાનુ નક્કી કર્યુ છે. બંને દેશોએ યુક્રેન સાથે 10 વર્ષના સુરક્ષા કરાર કર્યા છે. જેલેન્સ્કીએ પેરિસની મુલાકાત લીધી હતી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોને તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. ફ્રાંસ સાથે થયેલા સુરક્ષા કરારના ભાગરૂપે ફ્રાંસ દ્વારા યુક્રેનને 3.2 અબજ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડવામાં આવશે. જે યુધ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ફ્રાંસે કરેલી સૌથી મોટી સહાય હશે.
મેક્રોને કહ્યુ હતુ કે, રશિયા સામેનુ યુધ્ધ યુરોપના હિત, યુરોપના મુલ્યો અ્ને યુરોપની સુરક્ષા માટે નિર્ણાયક બનશે.
આ પહેલા જેલેન્સ્કીએ જર્મનીમાં ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. શોલ્જે જાહેરાત કરી હતી કે, જર્મની દ્વારા યુક્રેનને 36 હોવિત્ઝર તોપ, 1.20 લાખ તોપના ગોળા, બે એર ડિફેન્સ સિસ્ટમ સહિત 1.2 અબજ ડોલરની લશ્કરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.