યુક્રેનનો રશિયાના બેલગોરોડ શહેર પર તોપમારો : ઇમરજન્સી જાહેર
- દૂતાવાસે ભારતીયોને સલામત સ્થળે જવા જણાવ્યું
- યુક્રેનના હુમલાને પગલે રશિયાના બેલગોરોડ અને કુર્સ્ક પ્રાંતમાંથી હજારો લોકો ઘર છોડી પલાયન
કીવ : યુક્રેનના દળોએ રશિયાની સરહદમાં ઘૂસી ભારે તોપમારો કરતાં બેલગોરોડના સરહદી પ્રાંતમાં બુધવારે ઇમરજન્સી જાહેર કરાઇ હતી. નજીકના કુર્સ્ક પર હુમલો કર્યા બાદ ફરી યુક્રેનના દળોએ બેલગોરોડમાં મોટો હલ્લો કરતાં પાંચ હજાર બાળકોને સલામત વિસ્તારોમાં કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ભારતીય દૂતાવાસે બ્રિયાન્સ્ક, બેલગોરોડ અને કુર્સ્કમાં વસતાં ભારતીય સ્ટુડન્ટ્સ તથા ભારતીય નાગરિકોને કામચલાઉ ધોરણે આ વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરી જવા જણાવ્યું હતું. ભારતીય નાગરિકોની સહાય માટે દૂતાવાસે ટેલિફોન નંબર્સ અને ઇમેઇલ પણ જાહેર કર્યા છે.રશિયાની ધરતી પર યુક્રેને છ ઓગસ્ટથી આશ્ચર્યજનક હુમલા કરી ક્રેમલિનને હચમચાવી નાંખ્યું છે. કુર્સ્કમાં બીજા વિશ્વયુદ્ધ બાદ થયેલાં સૌથી મોટાં હુમલામાં ૧૦,૦૦૦ યુક્રેનિયન સૈનિકોએ તોપગાડીઓ સાથે હુમલો કરતાં ગયા શનિવારે કુર્સ્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ હતી. બેલેગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે પરિસ્થિતિને અત્યંત મુશ્કેલ અને તંગ હોવાનું જણાવી હુમલામાં ઘરો નાશ પામ્યા હોવાનું તથા નાગરિકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. ગ્લેડકોવે પાંચ હજાર બાળકોને સલામત વિસ્તારોમાં કેમ્પમાં ખસેડાયા હોવાનું તથા આગલા દિવસે ૧૧,૦૦૦ લોકો ઘર છોડીને નાસી ગયા હોવાનું જણાવ્યું હતું. હાલ એક હજાર જણાં કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહે છે. યુક્રેનના વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે રશિયન પ્રદેશો પર કબજો જમાવવાનો યુક્રેનનો કોઇ ઇરાદો નથી.અમારું ધ્યેય કુર્સ્કમાંથી યુક્રેનમાં થતો મિસાઇલ મારાને અટકાવવાનું છે. યુક્રેન મિલિટરીના જણાવ્યા અનુસાર કુર્સ્કમાં ૭૪ ગામો તેમના નિયંત્રણ હેઠળ છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મંગળવારે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે યુક્રેનિયન્સે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે આપણું ધ્યેય હાંસલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમે અમારા હિતો તથા અમારી સ્વતંત્રતાનું રક્ષણ કરવા સમર્થ છીએ. પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કુર્સ્ક ઓપરેશનને મળેલી સફળતાને કારણે ૯૦૦ દિવસ બાદ યુદ્ધમાં યુક્રેનનો જુસ્સો વધ્યો છે. યુક્રેન દ્વારા ભરવામાં આવેલાં પગલાંને પરિણામે પરિસ્થિતિ આપણી તરફેણમાં પલટાઇ રહી છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનના ૧૧૭ ડ્રોન્સ તથા ચાર મિસાઇલ્સનો નાશ કર્યો છે. રશિયાની વિમાસણ એ છે કે જો તે ડોનેસ્ટક પ્રાંતમાંથી લશ્કરને બોલાવી યુક્રેનના દળોનો સામનો કરે તો ડોનેસ્ટક હાથમાંથી જાય તેમ છે. પરિણામે રશિયા હાલ તાબડતોબ કુમક મોકલી શકે તેમ ન હોઇ યુક્રેનના દળોનો આ વિસ્તારમાં દબદબો વધ્યો છે.