યુક્રેન રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર, પણ પુતિનને માનવી પડશે આ શરત...
Ukraine-Russia War: છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવા બંને દેશના નેતાઓ તૈયાર છે. રશિયા અમેરિકા સાથે મળી યુદ્ધ સમાપ્તિ પર ચર્ચા-વિચારણા કરી રહ્યું છે, તો બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સમક્ષ યુદ્ધ સમાપ્તિની એક શરત પણ મૂકી છે કે, બંને દેશ ધરપકડ કરવામાં આવેલા યુદ્ધના બંધકોને મુક્ત કરે. કીવમાં એક શિખર સંમેલન દરમિયાન ઝેલેન્સ્કીએ આ અંગે માહિતી આપી હતી.
રશિયા સાથે યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. તેના ભાગરૂપે કીવમાં એક શિખર સંમેલનને સંબોધિત કરતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેનના નાગરિકો અને બંધકોને મુક્ત કરી દેવા જોઈએ. તેના બદલામાં યુક્રેન પણ રશિયાના તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છે. આ પગલું સીઝ ફાયર માટે યોગ્ય શરુઆત છે.
બંને દેશોએ પોતાના બંધકોને મુક્ત કર્યા
યુક્રેનના મીડિયા રિપોર્ટ અનુસાર, યુએઈની દખલગીરીમાં ઑક્ટોબર, 2024માં રશિયા અને યુક્રેને 95-95 બંધકોને મુક્ત કર્યા હતા. યુક્રેન સંસદના હ્યુમન રાઇટ્સ કમિશ્નર દિમિત્રો લુબિનેટ્સે જણાવ્યું હતું કે, 2022માં યુદ્ધ શરુ થયા બાદ 58મી વખત બંને દેશોએ પોતાના બંધકોની અદલાબદલી કરી છે. અગાઉ સપ્ટેમ્બર, 2024માં 103 બંધકોને મુક્ત કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદથી બંધકોને મુક્ત કરવાની કવાયત બંધ થઈ હતી.
આ પણ વાંચોઃ 54 વર્ષમાં પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર, ભારતને કેવી અસર થશે?
ટ્રમ્પે પણ યુદ્ધ બંધ કરવા કર્યું દબાણ
રશિયા અને અમેરિકા યુક્રેન યુદ્ધ બંધ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં ઝેલેન્સ્કી ઘૂંટણિયે બેસી શકે છે. ઝેલેન્સ્કીને દેશમાંથી પલાયન કરવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. બીજી બાજુ અમેરિકા યુક્રેનના વર્ચસ્વને દૂર કરી રશિયા સાથે તેની સરહદો વહેંચવા માગે છે. રશિયાએ યુદ્ધમાં કબજો કરેલી યુક્રેનની જમીન છોડવા તૈયારી દર્શાવી નથી. અમેરિકા પણ યુક્રેનના ખનિજ સંસાધનો પર કબજો મેળવી શકે છે. જ્યારે યુરોપ અને નાટો દેશને રશિયા અને અમેરિકાનું આ વલણ સ્વીકાર્ય નથી.
યુરોપનું ભવિષ્ય દાવ પર
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'યુરોપ કીવમાં છે, કારણકે યુક્રેન યુરોપમાં છે. આ અસ્તિત્વની લડાઈમાં માત્ર યુક્રેનનું જ નહીં, પરંતુ સમગ્ર યુરોપનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત શિખર સંમેલનમાં યુરોપીયન દેશોના નેતાઓ, કેનેડાના પ્રેસિડન્ટ સહિતના નેતાઓ પહોંચ્યા છે. તેઓ યુદ્ધની સમાપ્તિ ઉપરાંત અમેરિકાની નવી નીતિઓ પર પણ ચર્ચા કરશે.'