યુક્રેનની સેનામાં સૈનિકોની કમી હોવાની જેલેન્સ્કીની કબૂલાત, પાંચ લાખ લોકોની ભરતીની યોજના
image : Socialmedia
કીવ,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં બંને પક્ષોએ ભારે ખુવારી વેઠી છે પણ હજી બેમાંથી એક પણ દેશ ઝુકવા માટે તૈયાર નથી.
યુક્રેન માટે પણ સ્થિતિ સારી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કબૂલ્યુ છે કે, યુક્રેનની સેનાએ મને જાણ કરી છે કે, સૈનિકોની સંખ્યા અપૂરતી છે પણ નવા સૈનિકોની ભરતીનો મુદ્દો અમારા માટે બહુ સંવેદનશીલ છે.
જેલ્ન્સકીએ કહ્યુ હતુ કે, અમારા અધિકારીઓ તો ચાર થી પાંચ લાખ લોકોને સેનામાં ભરતી કરવા માંગે છે પણ સૈન્ય ખર્ચની રીતે જોવામાં આવે તો પણ આ એક મોટો મુદ્દો છે. મારે સેના તરફથી મળેલા પ્રસ્તાવનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે.
જેલેન્સ્કીના નિવેદન બાદ એવી અટકળો થઈ રહી છે કે, યુક્રેનની સેનાએ ભારે ખુવારી વેઠી છે અને તેના કારણે હવે નવા લોકોને માત્ર પ્રાથમિક તબક્કાની ટ્રેનિંગ આપીને તરત જ સેનામાં સામેલ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે.
યુક્રેનની સેના ફેબ્રુઆરી, 2022થી રશિયા સામે જંગ લડી રહી છે અને હવે તેને પણ હથિયારો અને દારૂગોળાની અછતનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવે તો યુક્રેન સૈનિકોની અછતથી પણ પરેશાન છે . યુક્રેનને હાલમાં તો અમેરિકાએ પણ મદદ આપવાનુ કામચલાઉ ધોરણે બંધ કર્યુ છે અને આ નિર્ણય યુક્રે્ન માટે મોટા ઝાટકા સમાન પૂરવાર થઈ રહ્યો છે.
બીજી તરફ રશિયાએ સ્પષ્ટ પણે કહ્યુ છે કે, યુક્રેન પર અમારુ આક્રમણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમે નક્કી કરેલા લક્ષ્યાંક હાંસલ કરી લઈએ. અમારી સેનાના 6 લાખથી વધારે સૈનિકો અત્યારે યુક્રેન સામે યુધ્ધ લડી રહ્યા છે.