ભારત અમને પુન નિર્માણ માટે મદદ કરે, યુક્રેને ભારતને અપીલ કરી
image : Socialmedia
કીવ,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
રશિયાના ભીષણ હુમલાઓના કારણે બરબાદ થઈ રહેલા યુક્રેને ભારત પાસે મદદ માંગી છે.
યુક્રેનનુ કહેવુ છે કે, દેશ તબાહ થઈ ગયો છે અને ઈકોનોમી ખાડે ગઈ છે ત્યારે દેશમાં પુન નિર્માણ માટે ભારત મદદ કરે. જેથી યુક્રેનમાં વિશ્વના બીજા દેશોનુ રોકાણ વધારી શકાય.
યુક્રેનના ડેપ્યુટી ફાઈનાન્સ મિનિસ્ટર વોલોદમેર કૂજયોએ ગુજરાતમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પોતાના દેશની ઈકોનોમીને ફરી પાટા પર ચઢાવવાનો પ્લાન રજૂ કર્યો હતો .
વાઈબ્રન્ટ ગુજરાતમાં યુક્રેનના મંત્રીને આમંત્રણ આપવામાં આવ્યુ છે તે વાતને ભારતની વિદેશ નીતિમાં બદલાવનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
યુક્રેને પણ ભારત પાસે પોતાની ઈકોનોમીને સહાય કરવા માટે મદદ માંગી છે. તે પણ એવા સમયે જ્યારે ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યુ છે. ઉપરાંત ભારત અને રશિયા વચ્ચેના સબંધો દાયકાઓ જૂના છે.
યુક્રેનની સરકાર ઈચ્છે છે કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં જેમ કે હાઈવે, દરિયાઈ બંદરો, રેલવે ટ્રેક, સ્ટોરેજ વગેરેમાં ભારત મદદ કરે. સાથે સાથે યુક્રેનમાં હજારો ચોરસ ફૂટ એરિયામાં સુરંગો પડી છે. તે હટાવવા માટે પણ યુક્રેન ભારતની મદદ માંગી રહ્યુ છે.
જોકે ભારત દ્વારા આ મુદ્દે હજી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ જાણકારોનુ માનવુ છે કે, ભારત યુક્રેનમાં ઈન્વેસ્ટેમેન્ટ કરવાનુ પસંદ નહીં કરે. કારણકે યુક્રેન અને રશિયા વચ્ચેનુ યુધ્ધ લાંબુ ખેંચાઈ રહ્યુ છે. કારણકે પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે. ઉપરાંત ભારતની ઈકોનોમી હજી 3 ટ્રિલિયન ડોલરનુ કદ ધરાવે છે. ભારત અત્યારે વિકાસશીલ દેશ છે. બીજી તરફ રશિયા સાથેના સારા સબંધોના કારણે આ યુધ્ધને લઈને ભારત પોતાનુ તટસ્થ વલણ અપનાવવાનુ ચાલુ રાખે તેવી શક્યતા વધારે છે.