VIDEO: નવાજૂનીના એંધાણ! યુક્રેને રશિયા પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
Russia-Ukraine War : યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ભયાનક હુમલો કર્યો છે. તેણે મોસ્કો પર ઘણાં ડ્રોનથી હુમલા કર્યા છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાના કારણે રશિયાએ અનેક ફ્લાઈટો ડાઈવર્ટ કરવાનો નિર્ણય લીધો છે.
યુક્રેને મોસ્કો પર 34 ડ્રોનથી હુમલો કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેને મોસ્કો પર ઓછામાં ઓછા 34 ડ્રોનથી હુમલા કર્યા છે, જે 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાની રાજધાની પર સૌથી મોટો ડ્રોન હુમલો છે. આ હુમલાના કારણે મોસ્કોના ત્રણ મુખ્ય એરપોર્ટ પર તાત્કાલીક અસરથી ફ્લાઈટો ડાયવર્ટ કરવાની નોબત આવી છે.
રશિયાએ 36 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, વાયુ સેનાએ પશ્ચિમ રશિયાના અન્ય વિસ્તારોમાં ત્રણ કલાકની અંદર 36 ડ્રોન તોડી પાડ્યા છે. કીવ સરકારે રશિયન સંઘના વિસ્તારમાં એરોપ્લેન જેવા ડ્રોનનો ઉપયોગ કરી આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. રશિયન ટેલીગ્રામ ચેનલો પર પોસ્ટ કરાયેલા અન-ઓફિશિયલ વીડિયોમાં આકાશમાં ડ્રોન ઉડતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : બેરૂત પર ઈઝરાયલનો મોટો હવાઈ હુમલો, 20ના મોત, લેબનાને કરી પુષ્ટિ
હુમલાના કારણે અનેક ફ્લાઈટો ડાયવર્ટ કરાઈ
રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ કહ્યું કે, ડોમોડેવ, શેરેમેટેવો અને ઝુકોવસ્કીના એરપોર્ટ પર ઓછામાં ઓછી 36 ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, જોકે પછીથી તમામ ફ્લાઈટો રાબેતામુજબ શરૂ કરી દેવાઈ છે. મોસ્કોમાં હુમલાના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું કહેવાય છે.
રશિયાએ રાતોરાત 145 ડ્રોન લોન્ચ કર્યા
બીજીતરફ યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાએ રાતોરાત અમારા વિસ્તારમાં રેકોર્ડ 145 ડ્રોન લોન્ચ કર્યા છે. જોકે કિવ સ્થિત હવાઈ સુરક્ષા દળોએ તેમાંથી 62 ડ્રોન તોડી પાડ્યા છે. ત્યારબાદ અમે રશિયાના બ્રાંસ્ક વિસ્તારમાં એક શસ્ત્રાગાર પર હુમલો કર્યો હતો અને તે વિસ્તારમાં 14 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે 22 ફેબ્રુઆરી-2022થી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
આ પણ વાંચો : હચમચાવી દેનારો VIDEO : મેક્સિકોના બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ