Get The App

અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિયા સામેના યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનો દાવો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિયા સામેના યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનો દાવો 1 - image


Ukraine Killed 3000 Of Kim Jong Soldiers: રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી થયેલા હુમલામાં અનેક લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. 23 ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 3000થી વધુ સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે ઓગસ્ટની શરૂઆતથી રશિયાએ લગભગ 12,000 નોર્થ કોરિયાના સૈનિકોને યુક્રેન મોકલ્યા છે.

ઝેલેન્સકીએ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી રહેલા સૈન્ય સહયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

ઝેલેન્સકીએ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી રહેલા સૈન્ય સહયોગ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આનાથી આધુનિક યુદ્ધ ટેકનોલોજી અને સૈન્ય અનુભવની આપ-લે થઈ શકે છે. તેમણે ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના આ સહકારથી વધારાના સૈનિકો અને સૈન્ય સાધનોની સપ્લાય થઈ શકે છે. આના પરિણામ સ્વરૂપે યુક્રેનને આકરા જવાબ આપવાની જરૂર પડશે.

આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ

ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે, ઉત્તર કોરિયા સાથે રશિયાની વધતી ભાગીદારીથી માત્ર ક્યૂરેનિયન સરહદ જ નહીં, પરંતુ સમગ્ર કોરિયન દ્વીપકલ્પ અને તેની નજીકના પ્રદેશોમાં અસ્થિરતાનું જોખમ ઊભું થઈ શકે છે.

ઉત્તર કોરિયાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા સંબંધિત માહિતીનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે, તેમનું મૂલ્યાંકન યુક્રેનિયન ગુપ્તચર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયાના સાંસદ લી સુંગ-કોને 19 ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ 1000 જેટલા સૈનિકો ઘાયલ થયા છે.

રશિયાનો યુક્રેનની ઈમારત પર હુમલો

આ વચ્ચે એક રશિયન બેલિસ્ટિક મિસાઈલે મંગળવારે યુક્રેનિયન શહેર ક્રીવી રિહમાં રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગવર્નર સેરહી લિસાકે જણાવ્યું હતું કે, હુમલામાં ઓછામાં ઓછા 11 અન્ય લોકો ઘાયલ થયા છે અને ચાર માળની ઈમારતના કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, ઈમારતની એક બાજુનો ભાગ લગભગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે યુક્રેન 25 ડિસેમ્બરે બીજી વખત સત્તાવાર રીતે ક્રિસમસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે.


Google NewsGoogle News