યુક્રેન તો ખતમ થઈ ગયું છે, રશિયાનાં આક્રમણ સામે, હવે તેનો બચાવ કરવાનો કોઈ અર્થ જ નથી : ડોનાલ્ડ ટ્રમ્પ
- ખરાબમાં ખરાબ 'સોદો' અત્યારની સ્થિતિ કરતાં સારો હોત
- 'હું જો પ્રમુખ પદે હોત તો રશિયાએ આક્રમણ કર્યું જ ન હોત, યુક્રેને પહેલાં થોડું છોડી દીધું હોત તો આ સ્થિતિ જ ન થઈ હોત'
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનની પરિસ્થિતિને અતિ ગંભીર અને હતાશાજનક ગણાવી હતી. તેઓએ કહ્યું ત્યાં લોકો મરી રહ્યા છે સમગ્ર દેશ ખતમ થઈ ગયો છે. વાસ્તવમાં યુક્રેને જો પહેલેથી જ પ્રમુખ પુતિને મુકેલી માગણીઓ સ્વીકારી લીધી હોત તો તેની આ પરિસ્થિતિ ન થઈ હોત. વાસ્તવમાં તેણે (ફેબ્રુઆરી ૨૦૨૨ પહેલા જ) રશિયાની માગણીઓ સ્વીકારી લીધી હોત તો તે સારૂં હતું. ત્યારે ભલે ખરાબમાં ખરાબ સોદો થયો હોય, તો પણ તે વર્તમાન પરિસ્થિતિ પુરતાં તો સારો બનત.
આ તબક્કે વિશ્લેષણકારો જર્મની સાથે શાંતિ સમજૂતી કરવા ગયેલા તે સમયના સોવિયેત રશિયાના પ્રતિનિધિ મિલ્યાકોવને ૧૯૧૭માં કોમરેડ લેનિને ફોન પર આપેલો જવાબ યાદ આવે છે. મિલ્યાકોવે પૂછયું હતું કે તેઓ મને ટેઇલ કોટ પહેરવાનું કહે છે. (જે સામ્યવાદીઓ પહેરે નહીં) તો શું કરૂં ? ત્યારે કોમરેડ લેનિને કહ્યું તેઓ પેટીકોટ પહેરવાનું કહે તો તે પણ પહેરી લે, બટ સાઇન ધ ટ્રીટી.
મહાન ચાણકયે પણ કહ્યું હતું, સર્વનાશે તુ સમુત્તજને અર્ધ ત્યજતિ સ: પંડિત: ।। પરંતુ પશ્ચિમના દેશોએ ઝેલેન્સ્કીને શૂળીએ ચઢાવી તેને બલિનો બકરો બનાવી ખસી ગયા.
ટ્રમ્પ પહેલેથી જ અમેરિકા દ્વારા યુક્રેનને અપાતી સહાયના વિરોધી છે. તેઓએ વારંવાર કહ્યું હતું કે, જો તેઓ પ્રમુખ હોત તો રશિયા એ આક્રમણ કર્યું જ ન હોત.
નોર્થ કેવિલનામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું, આ યુદ્ધ યુક્રેન જીતી શકે તેમ તમો ઇચ્છો છો ? ત્યારે તેઓએ સ્પષ્ટત: કશું જ કહેવા ઇન્કાર કર્યો હતો. આ સાથે તેઓએ મંગળવારના કાર્યક્રમમાં રશિયા અને તેનાં પુરોગામી સોવિયેત સંઘ ઉપર પણ આક્ષેપાત્મક કટાક્ષ કરતાં કહ્યું હતું કે, યુદ્ધ તો, તેઓ જે કરે છે, તેમાંથી ઉપસ્થિત થાય છે.
તાજેતરમાં ઝેલેન્સ્કીએ ટ્રમ્પ તેમજ તેઓના રનિંગ મેઇટ વાન્સ અંગે કરેલા કઠોર વિધાનો ટ્રમ્પે ખંખેરી નાખ્યા હતા.
અત્યારે યુએનની મહાસભાને સંબોધન કરવા અમેરિકા (ન્યૂયોર્ક) પહોંચેલા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ટ્રમ્પ વધુ પડતા ફેરફારો સૂચવે છે. તેઓ કહે છે કે યુક્રેને રશિયાના તાબા નીચેના વિસ્તારો રશિયાને આપી દેવા જોઈએ પરંતુ તે અમોને સહેજ પણ સ્વીકાર્ય નથી. યુદ્ધ બંધ કેમ કરવું તે જ ટ્રમ્પ જાણતા નથી પછી ભલે તેઓ માનતા હોય કે તે તેઓ જાણે છે જ.
ટ્રમ્પે કહ્યું હતું કે ખરાબમાં ખરાબ સોદો પણ અત્યારની સ્થિતિ કરતાં સારો હોત. હવે તો સોદાનો પ્રશ્ન જ ક્યાં છે ? બધું ખતમ થઈ ગયું છે. પાટનગર કીવના આંતરિક વિસ્તારો સિવાય બધું જ નાશ પામ્યું છે. વાસ્તવમાં પહેલેથી જ (યુદ્ધ પહેલાં જ) યુક્રેને પુતિનની દરખાસ્તો સ્વીકારી લેવી જરૂરી હતી. જો તેમ કર્યું હોત તો આ સ્થિતિ યુક્રેનની થઈ ન હોત. સોદામાં થોડું લિવરેજ રહી આમ છતાં ઝેલેન્સ્કી જેને તે વિકટરી-ડીલ કહે છે. તે વિકટરી-ડીલ વિષે મંત્રણા કરવાના છે. તેમાં, અમેરિકાએ આપેલા લોંગ રેન્જ મિસાઇલ્સનો ઉપયોગ રશિયા સામે કરવા દેવાની પરવાનગી માગવાના છે.
આ માટે તો યુક્રેનની એક પંચમાંશ ભૂમિ રશિયાના કબજામાં છે. હજ્જારો યુક્રેનીઓ માર્યા ગયા છે. લાખ્ખો દેશ છોડી જતા રહ્યા છે.
ટ્રમ્પે આ સ્થિતિ માટે બાયડેન અને કમલા બંનેને જવાબદાર કહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પરિસ્થિતિ આટલી હદે વણસી ગઈ ત્યાં સુધી જોતાં જ રહ્યા છે. મુક-બધિર બની રહ્યા. હવે યુક્રેનમાં રહ્યું છે શું ? કે તેને બચાવવા જવું પડે ?