યુક્રેન રશિયામાં ઘૂસ્યુ, એરફિલ્ડનો કચ્ચરઘાણ : 100થી વધુ સૈનિકોના મોત
- કીવના લશ્કરે પહેલી વખત સરહદ ઓળંગી હુમલો કર્યો
- રશિયા યુદ્ધ આપણી ધરતી પર લાવ્યું, આપણે આ યુદ્ધ તેની ધરતી પર લઈ જઇશું : ઝેલેન્સ્કી
કીવ : યુક્રેને રશિયા સાથે ચાલતા યુદ્ધમાં પહેલી વખત જ જબરદસ્ત, ઘાતક અને અનપેક્ષિત હુમલો કરતા સરહદ ઓળંગી હતી. એક મોટા ઓપરેશનમાં તેના હજારથી વધુ સૈનિકોએ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં ઘૂસી જઈને તેનું લશ્કરી એરફિલ્ડ ધ્વસ્ત કર્યુ છે. ફક્ત એટલું જ નહીં તેના આ હુમલામાં સંખ્યાબંધ રશિયન સૈનિકો માર્યા ગયા હોવાનું મનાય છે. સોથી પણ વધુ રશિયન સૈનિકોના મોત આ હુમલામાં થયા હોવાનું યુદ્ધ નિષ્ણાતો કહી રહ્યા છે. રશિયાએ યુક્રેનના ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.
આમ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતુ યુક્રેન-રશિયા યુદ્ધ હવે પહેલી વખત રશિયાની ધરતી પર પહોંચ્યું છે. યુક્રેન આમ પણ છેલ્લા કેટલાક દિવસથી તેના કુર્સ્ક વિસ્તાર પર આક્રમક વલણ અપનાવી રહ્યું હતું. યુક્રેનના આ ઘાતક હુમલાના લીધે કુર્સ્ક વિસ્તારમાંથી હજારો રશિયનોએ ભાગી જવાની ફરજ પડી છે. રશિયાએ વળતા જવાબમાં ડોનેત્સ્ક પ્રાંતમાં મોલ પર કરેલા હુમલામાં ૧૧ યુક્રેનિયનોના મોત થયા હતા.
યુક્રેનના લશ્કરી દળોએ રાત્રે જ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના લીધે કુર્સ્ક વિસ્તાર રીતસરનો સળગતો રહ્યો હતો અને સતત વિસ્ફોટોનો અવાજ સંભળાતા હતા. કેટલાય વિસ્ફોટોના લીધે હાઇવે પર કાટમાળ ખડકાયો હતો. રશિયન યુનિટે પણ સ્વીકાર્યુ હતું કે આ હુમલામાં તેના સોથી પણ વધુ સૈનિકોના મોત થયા છે. આ હુમલાના રશિયાના કેટલાય લશ્કરી વાહનોને યુક્રેને ઉડાવી દીધા હતા અને તે જોઈને ત્યાંના રશિયનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
કીવે તો આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પણ ગુરુવારે સાંજે ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાને તે અનુભવ થવો જોઈએ કે કોઈ દેશમાં ઘૂસણખોરી કરીએ તો કેવા પરિણામોનો સામનો કરવો પડે છે. રશિયા આપણી ધરતી પર યુદ્ધને લઈ આવ્યું અને હવે અમે આ યુદ્ધ રશિયાની ધરતી પર લઈ જઈશું.
યુક્રેનના હજારથી વધારે સૈનિકોએ મિલિટરી ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો હતો. પુતિનને પણ જાણ કરવામાં આવી હતી કે યુક્રેનના હજારથી પણ વધારે સૈનિકોએ સરહદ વટાવી છે. યુક્રેને રશિયાના મહત્ત્વના લિપેત્સક એરફિલ્ડને ધ્વસ્ત કરી દીધુ હતુ અને તેની સાથે ત્યાંનો મોટો બોમ્બ સ્ટોર પર નષ્ટ કરતાં ત્યાં દિવાળીની જેમ આખી રાત બોમ્બ ધડાકા ચાલતા રહ્યા હતા. લિપેત્સક શહેર મોસ્કોથી ૫૦૦ કિ.મી. દૂર છે.