Get The App

યુદ્ધ વચ્ચે પહેલીવાર બેકફૂટ પર પુતિન: અચાનક હુમલો કરીને રશિયાની જમીન પર યુક્રેનના સૈનિકોનો કબજો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Ukraine Army


Russia-Ukraine War: છેલ્લા અઢી વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાએ પ્રભુત્વ જાળવ્યું હતું. જો કે, હાલમાં આ યુદ્ધમાં યુક્રેનને મોટી સફળતા મળી છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ યુક્રેનના ઘણાં વિસ્તારો પર કબજો જમાવ્યો છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે યુક્રેનની સેના સામે રશિયાએ પીછેહઠ કરી છે અને યુક્રેને રશિયાની જમીન પર કબજો કર્યો છે. હકીકતમાં, રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનની સેનાએ અચાનક હુમલો કરી રશિયાના 1000 વર્ગ કિમી વિસ્તાર પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેનના હુમલા બાદ હજારો લોકો અહીંથી સ્થળાંતર કરી રહ્યા છે.

યુક્રેને પ્રથમ વાર રશિયાની જમીન પર કબજો કર્યો

રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેને પ્રથમ વાર રશિયાની જમીન પર કબજો કર્યાનો દાવો કર્યો છે. નિષ્ણાતોના મતે, બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર રશિયાને આ પ્રકારનો ઝટકો લાગ્યો છે. હવે સવાલ એ છે કે, યુક્રેનની સેનાએ કઇ રીતે આ પ્રકારની કાર્યવાહી કરી? યુક્રેનના એક સૈન્ય અધિકારીએ આ અંગે જણાવ્યું કે, યુક્રેન સાથે અડીને આવેલી કુર્સ્કની 245 કિમી લાંબી સરહદ પર રશિયાના સૈનિકો કેટલીક ચોકીઓ પર સામાન્ય હથિયારો સાથે તૈનાત હતા. આવામાં અમને અંદાજો હતો કે આ વિસ્તારમાં અમને વધુ મુશ્કેલી પડશે નહી, જેથી ત્યાં હુમલો કરી શકાય છે.

યુક્રેનના અચાનક હુમલાથી રશિયાના સૈનિકોએ પીછેહઠ કરી

યુક્રેન અત્યાર સુધી નાની-નાની ટુકડીઓમાં જવાબી કાર્યવાહી કરતો હતો, પરંતુ આ વખતે યુક્રેને વિશાળ સૈન્ય ટુકડીઓ સાથે એવી સ્થિતિમાં હુમલો કર્યો જ્યારે રશિયાના સૈનિકો તૈયાર નહોતા. રશિયાના મિલિટ્રી બ્લોગર્સે પણ આ અંગે જણાવ્યું કે, યુક્રેનનો હુમલો બહુ વિશાળ હતો. તેની સૈન્ય ટુકડીઓ ઝડપી અને શસ્ત્રોથી સજ્જ વાહનો સાથે રશિયાના વિસ્તારમાં દાખલ થઇ હતી અને રશિયાના સૈનિકો અને ચોકીઓ પર હુમલો કર્યો હતો. જેનાથી રશિયાના સૈનિકોએ ગભરાઇને પીછેહઠ કરી હતી.

રશિયામાં 30 કિમી અંદર ઘૂસી યુક્રેની સેના

લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યુટ (RUSI)ના મિલિટ્રી સાઇન્સ ડાયરેક્ટરે જણાવ્યું કે, યુક્રેનની સેનાએ રશિયામાં 30 કિમી અંદર સુધી ઘૂસણખોરી કરી છે અને આશરે 400 કિમી વર્ગ જેટલી જમીન પર કબજો મેળવ્યો છે. જો કે, આ સ્પષ્ટ નથી કે કેટલું વિસ્તાર તેમના નિયંત્રણમાં છે. યુક્રેનની સેનાના ચાર બ્રિગેડના 10 હજાર સૈનિકો આ હુમલામાં સામેલ હતા અને તમામ સૈનિકો યુરોપિયન દેશો તરફથી મળેલા હથિયારોથી સજ્જ હતા. આ યુક્રેન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ હુમલો ગણવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News