રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સરમુખત્યાર કિમ જોંગની એન્ટ્રી સાથે જ યુરોપ-અમેરિકાની ઊંઘ ઊડી
Kim Jong Un Enter in Russia vs Ukrain War Updates | યુક્રેન-રશિયન યુદ્ધમાં હવે ધૂની સરમુખત્યાર કીમજોંગ અને ઉત્તર કોરિયાએ પણ ઝુકાવ્યું છે. પેન્ટાગોન જણાવે છે કે ઉ.કોરિયાએ તેના 10000 સૈનિકો યુક્રેન સામે લડવા માટે રશિયા મોકલ્યા છે. આ સૈનિકો યુક્રેનની સરહદથી માત્ર થોડા જ માઈલ દુર છાવણી નાખી પડયા છે. નાટોના પ્રમુખે આ ઘટનાને યુક્રેન યુદ્ધમાં લાવેલા નવા વળાંક સમાન કહી છે. પેન્ટાગોન જણાવે છે કે રશિયા તે સૈનિકોને કુર્કસ ક્ષેત્રમાં મોકલે તેવી સંભાવના છે. તે ક્ષેત્રમાં યુક્રેને ઓગસ્ટમાં ભારે હુમલો કરી તે વિસ્તાર કબ્જે કરી લીધો હતો.
નાટોના મહામંત્રી જન. માર્કરૂટે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાએ પણ ઝંપલાવ્યું હોવાથી એક તરફ હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં તો બીજી તરફ યુરોપ એટલાંટિક ક્ષેત્રમાં સલામતી ગંભીર રીતે જોખમાઈ જવા સંભવ છે. દરમિયાન જો બાયડેને ફરી એકવાર યુક્રેન સાથે ઉભા રહેવાનું ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું છે.
આ સાથે તેઓએ કહ્યું છે કે જો ઉ.કોરિયાની સેના યુક્રેનની ધરતી ઉપર પગ મુકે તો યુક્રેને તેનો ''મુંહતોડ'' જવાબ આપવો જોઈએ.
ઉત્તર-કોરિયાની આ યુદ્ધમાં એન્ટ્રીથી એક વિશિષ્ટ ઘટના તે બની છે કે ''એવું પહેલીવાર બન્યું છે કે બે દેશ વચ્ચેના યુદ્ધમાં ત્રીજો દેશ ફુદી પડયો હોય. જોકે, ભાડુતી સૈનિકો તો બંને દેશની સેનામાં છે. કેટલાએ દેશો બંનેને (રશિયા અને યુક્રેનને) ભારે પ્રમાણમાં શસ્ત્રો પણ આપે છે, પરંતુ સીધી રીતે તે યુદ્ધમાં કુદી પડતા નથી, પરંતુ આ વખતે તો ઉ.કોરિયા સીધું જ આ યુદ્ધમાં કુદી પડયું છે. તેણે ૧૦,૦૦૦ સૈનિકો તો મોકલ્યા છે. હજી વધુ મોકલવાનું છે. તેના બદલામાં રશિયાએ તેને એટમબોમ્બ બનાવવા વિજ્ઞાાનીઓ મોકલ્યા છે. તથા પ્રથમ મિસાઈલ્સ બનાવવા ટેકનીશ્યનો મોકલ્યા છે. એટમબોમ્બ માટે તો ઘણા સમય પહેલેથી વિજ્ઞાાનીઓ મોકલ્યા હતા.''
અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાના ૭૧,૦૦૦ સૈનિકો માર્યા ગયા છે. જ્યારે સાડા છ લાખ સૈનિકો ઘાયલ થયા છે. હવે રશિયાને સૈનિકોની થોડી ખેંચ પડી છે.