VIDEO: યુક્રેને રશિયાને આપ્યો મોટો ઝટકો, પહેલા દેશમાં ઘૂસ્યું, હવે તોડી પાડ્યું સૌથી મોંઘુ ફાઈટર પ્લેન

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
Russia Fighter Jet


Russia Ukraine War : છેલ્લા અઢી વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેન રશિયાની જમીન પર કબજો કરવામાં સફળ રહ્યું છે. આ યુક્રેનની રશિયા વિરૂદ્ધના યુદ્ધમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. હવે યુક્રેનની સેનાએ ગુરૂવારે (15 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે તેની સેનાએ કુર્સ્ક વિસ્તારમાં રશિયાના સૌથી મોંઘા ફાઇટર પ્લેનમાંથી એકને તોડી પાડ્યું છે. યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે (15 ઓગસ્ટ) ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, "યુક્રેનના સુરક્ષા દળોએ દુશ્મન રશિયાના Su-34 બોમ્બર એરક્રાફ્ટને નષ્ટ કરી દીધું છે. વિમાનમાં લાગેલી આગ અને તેના કાટમાળ દર્શાવતી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

શું છે રશિયાના ફાઈટર પ્લેનની ખાસિયત?

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, Su-34 ફાઇટર પ્લેન જેને ફુલબેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 36 મિલિયન ડોલર (3.02 અબજ રૂપિયા) છે. તેને રશિયાનું સર્વશ્રેષ્ઠ ફાઈટર બોમ્બર એરક્રાફ્ટ માનવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર, આ વિમાનમાં સેન્સર, એવિઓનિક્સ અને સ્માર્ટ હથિયારો છે જે તેને તેના લક્ષ્યોને ઝડપથી ઓળખવાની તાકાત આપે છે.



આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને ત્રણ વર્ષ પૂરા, જાણો ત્યાં મહિલાઓ-બાળકોની કેવી છે સ્થિતિ?

10 દિવસમાં 10 ફાઈટર પ્લેન તોડ્યા હતાઃ યુક્રેનનો દાવો 

યુક્રેનિયન આર્મીએ અગાઉ પણ રશિયાના Su-34 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જ્યાં ગયા ફેબ્રુઆરીમાં તેણે એક સપ્તાહમાં ચાર Su-34 અને 10 દિવસમાં કુલ 10 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા. જો કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેને રશિયાના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. આર્મી કમાન્ડર ઇન ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીના જણાવ્યા અનુસાર, બુધવાર સુધીમાં 74 વસાહતો યુક્રેનની સેનાના નિયંત્રણમાં આવી ગઈ છે.

આ પણ વાંચોઃ બંગબંધુ નહીં ઈસ્લામિક ઈતિહાસ, હસીનાને જેલ...: બાંગ્લાદેશમાં હવે નવી માંગણીઓ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન

રશિયાના 300 કિલોમીટર અંદર યુક્રેનનો હુમલો 

લગભગ અઢી વર્ષ પહેલા ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે તેને એકતરફી માનવામાં આવતું હતું. રશિયાએ યુદ્ધમાં અત્યાર સુધી પ્રભુત્વ જાળવ્યું હતું અને યુક્રેનના ઘણાં વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. સૈન્ય અને શસ્ત્રોના સંદર્ભમાં યુક્રેન તેના કરતા ખૂબ પાછળ હતું, પરંતુ હવે યુક્રેન આ યુદ્ધમાં પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું જણાય છે. એક રિપોર્ટ અનુસાર યુક્રેનની સેનાની સૌથી મોટી તાકાત તેના ડ્રોન છે. તાજેતરમાં, યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયન સરહદની 300 કિલોમીટર અંદર ઘૂસીને લિપિયુસ્ક એરબેઝ પર હુમલો કર્યો હતો.

રશિયામાં 30 કિમી અંદર ઘૂસી યુક્રેની સેના

લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યુટ (RUSI)ના મિલિટ્રી સાઇન્સ ડાયરેક્ટરે જણાવ્યું કે, યુક્રેનની સેનાએ રશિયામાં 30 કિમી અંદર સુધી ઘૂસણખોરી કરી છે અને આશરે 400 કિમી વર્ગ જેટલી જમીન પર કબજો મેળવ્યો છે. જો કે, આ સ્પષ્ટ નથી કે કેટલું વિસ્તાર તેમના નિયંત્રણમાં છે. યુક્રેનની સેનાના ચાર બ્રિગેડના 10 હજાર સૈનિકો આ હુમલામાં સામેલ હતા અને તમામ સૈનિકો યુરોપિયન દેશો તરફથી મળેલા હથિયારોથી સજ્જ હતા. આ યુક્રેન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ હુમલો ગણવામાં આવી રહ્યો છે.


VIDEO: યુક્રેને રશિયાને આપ્યો મોટો ઝટકો, પહેલા દેશમાં ઘૂસ્યું, હવે તોડી પાડ્યું સૌથી મોંઘુ ફાઈટર પ્લેન 2 - image


Google NewsGoogle News