યુક્રેનનો સ્ફોટક આરોપ, 18 શહેરો પર રશિયાનો કેમિકલ વેપન્સ વડે હુમલો, સેંકડો સૈનિકોના મોત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
યુક્રેનનો સ્ફોટક આરોપ, 18 શહેરો પર રશિયાનો કેમિકલ વેપન્સ વડે હુમલો, સેંકડો સૈનિકોના મોત 1 - image


કીવ, તા. 11 ફેબ્રુઆરી 2024

રશિયાએ નવેસરથી શરુ કરેલા ભીષણ હુમલાના કારણે યુક્રેનમાં કોહરામ મચી ગયો છે. શુક્રવારની રાત્રે યુક્રેનના 18 શહેરો પર રશિયાએ કેમિકલ હથિયારો વડે હુમલો કર્યો હોવાનો સનસનીખેજ આરોપ યુક્રેને લગાવ્યો છે.

યુક્રેનના ખારકીવ શહેરમાં તો રશિયાના હુમલા બાદ ભડકેલી આગ હજી શાંત થઈ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનુ કહેવુ છે કે, રશિયાએ કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો છે અને તેના કારણે યુક્રેનમાં ભારે તબાહી અને ખુવારી સર્જાઈ છે.

આ હુમલા બાદ જેલેન્સ્કીએ અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન સાથે પણ વાત કરી હતી અને પોતાના સેના પ્રમુખ સાથે પણ એક બેઠક યોજી હતી. યુક્રેન હવે રશિયાના હુમલાનો જવાબ કેવી રીતે આપશે તેના પર પશ્ચિમના દેશોની નજર છે.

યુક્રેનમાં શુક્રવારની રાતે અચાનક જ સેંકડો શહેરોમાં વિસ્ફોટો થયા હતા અને જોત જોતમાં ઠેર ઠેર આગનુ તાંડવ સર્જાયુ હતુ. આકાશમાં આગના લપકારા અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.રશિયાએ કુલ મળીને 18 શહેરો પર હુમલા કર્યા હોવાનુ અને તેમાં સૌથી વધારે તબાહી ખારકીવમાં સર્જાઈ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. ખારકીવમાં પાંચ કિલોમીટરનો આખો વિસ્તાર તબાહ થઈ ગયો છે. રશિયાના હુમલાએ પાવર સ્ટેશન પણ બરબાદ કરી નાંખ્યુ હોવાથી બ્લેક આઉટ સર્જાયો છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, એકલા ખારકીવમાં જ યુક્રેનના 432 તેમજ ડોનેસ્કમાં 300 સૈનિકોના મોત થયા છે.

તેની સાથે સાથે લુહાંસ્ક મોરચે યુક્રેનના 113, મારિયા પોલમાં 76 સૈનિકો, જપોરિજિયામાં યુક્રેનના 212, નિપ્રોમાં 117 તથા મેલિતોપોલમાં 46 સૈનિકો માર્યા ગયા છે.

ખેર સોન નામના શહેરમાં યુક્રેનના 252 સૈનિકોના તેમજ માઈકોલેવમાં 89 જવાનોના મોત થયા છે. જેલેન્સ્કીના હોમ ટાઉન ક્રિવી રીહમાં યુક્રેનની સેનાના 47, ઓડેસામાં 133 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

યુક્રેનને હવે ડર લાગી રહ્યો છે કે, રશિયા આગામી દિવસોમાં કેમિકલ વેપન્સનો હુમલો કરવા માટે ઉપયોગ કરશે. હાલ તો તેનો જવાબ આપવા માટે યુક્રેન પાસે કોઈ એવુ હથિયાર નથી. યુક્રેનના દાવા બાદ પશ્ચિમના દેશો પણ ચિંતામાં મુકાયા છે.



Google NewsGoogle News