ઋષિ સુનક ભારે દબાણ હેઠળ, લોકપ્રિયતા ગગડી! સ્થાનિક-પેટાચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખ્યો
Rishi Sunak News | બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે સ્થાનિક ચૂંટણીઓમાં અને અત્યંત મહત્ત્વની પેટાચૂંટણીમાં વિપરીત પરિણામનો સામનો કરવો પડયો છે. તેના લીધે તેઓ વર્ષના અંત ભાગમાં યોજાનારી સંસદીય ચૂંટણી પૂર્વે ભારે દબાણ હેઠળ આવી ગયા છે.
સ્થાનિક ચૂંટણીના પરિણામ કન્ઝર્વેટિવ પાર્ટી માટે છેલ્લા 40 વર્ષના ખરાબ પરિણામ માનવામાં આવે છે. આના લીધે પક્ષની અંદરના બળવાખોરો બ્રિટિશ ભારતીય પીએમ પર તેમના પ્રહારો વધુ તીવ્ર બનાવી શકે છે. તેમા પણ ખાસ કરીને બ્લેકપૂલ સાઉથની પેટાચૂંટણીમા લેબર પાર્ટીને મળેલી બહુમતીએ કન્ઝર્વેટિવ પાર્ટીના મોટો આંચકો આપ્યો છે.
લેબર પાર્ટીના નેતા સર કેઇર સ્ટારમેરે જણાવ્યું હતું કે આ વિજય જબરજસ્ત ટર્નઅરાઉન્ડ બતાવે છે અને સમગ્ર ચૂંટણીનો જનચુકાદો પક્ષની તરફેણમાં આવ્યો છે. આમ લોકોએ સામાન્ય ચૂંટણી પૂર્વે સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે. બ્લેકપૂલ જે આજે કરે છે, તેને સમગ્ર દેશ અનુસરે છે. આ ચૂંટણી એવી ચૂંટણી છે જેના દ્વારા મતદાતાઓએ ઋષિ સુનકના કન્ઝર્વેટિવ્સને સ્પષ્ટ સંદેશો મોકલ્યા છે. આ મતદાન પરિવર્તનનો સંદેશો લઈ આવ્યું છે.
બ્લેકપૂલ સાઉથના લેબર ઉમેદવાર ક્રિસ વેબે કન્ઝર્વેટિવના ડેવિડ જોન્સને હરાવ્યા હતા. ટોરીઝે 2019 માં ભૂતપૂર્વ બોરિસ જોન્સનની આગેવાની હેઠળ આ બેઠક જીતી હતી. ટોરીઝથી લેબર બાજુએ આ વખતે 26 ટકાનો જોવા મળેલો સ્વિંગ 1945 પછીનો ત્રીજો મોટો પેટાચૂંટણીનો સ્વિંગ મનાય છે.