'ફરીવાર આવું નહીં થાય...', દિવાળી પાર્ટીમાં કરેલી ભૂલ પર UK સરકારે માફી માગી
Image X Keir Starmer |
Diwali Celebration UK 2024 : દિવાળી રિસેપ્શન પાર્ટીમાં માંસાહારી ભોજન અને દારૂ પીરસ્યા બાદ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટિશ પીએમ કાર્યાલયે માફી માંગી છે. પીએમ કાર્યાલય દ્વારા ગત શુક્રવારે કહેવામાં આવ્યું હતું કે, "અમે હિંદુ સમુદાયની ચિંતાઓને સમજીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે, ભવિષ્યના કોઈપણ કાર્યક્રમમાં આવું નહીં થાય." પ્રવક્તાએ કહ્યું કે, અમે આ મુદ્દા પર લાગણીઓની તાકાતને સમજી શકીએ છીએ અને સમુદાયને આશ્વાસન આપીએ છીએ કે આવું ફરીથી નહીં થાય."
રિપોર્ટ પ્રમાણે બ્રિટિશ પીએમના કાર્યાલયના સત્તાવાર નિવેદનમાં મેનુને સંબોધવામાં નથી આવ્યું. પરંતુ સમાજની લાગણીને માન આપીને ફરી આવી ભૂલ ન થાય તે માટે પુનરોચ્ચાર કરવામાં આવ્યું હતું.
બ્રિટિશ ભારતીય કન્ઝર્વેટિવ સાંસદ શિવાની રાજાએ 10 ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી પીએમને પત્ર લખ્યા પછી આ નિવેદનની વાત સામે આવી છે. શિવાનીએ આ પત્રમાં ઔપચારિક રીતે પીએમ સમક્ષ રિસેપ્શનમાં માંસાહારી ખોરાક અને દારૂ પીરસવામાં આવતાં તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના પત્રમાં તેમણે કહ્યું કે, પીએમ હાઉસમાં આયોજિત આ કાર્યક્રમ હિંદુઓ દ્વારા મનાવવામાં આવતા રીત-રિવાજો અને સંસ્કૃતિ પ્રમાણે નથી. હિંદુ પરંપરાઓના સંબંધમાં "જ્ઞાનનો અભાવ" હોવાનું કહીને કાર્યક્રમની ટીકા કરી હતી.
હિન્દુ સંસ્કૃતિનું ધ્યાન રાખવામાં ન આવ્યું તેનું દુ:ખ
સાંસદ શિવાની રાજાએ રીત- રિવાજો અને સંસ્કૃતિ અંગે વાત કરતાં કહ્યું કે, મારા મતવિસ્તારમાં હજારો હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતાં મને એ જાણીને ખૂબ દુઃખ થયું કે દેશના સૌથી મોટા કાર્યાલયમાં ઉજવણી દરમિયાન રીત-રિવાજોનું ધ્યાન રાખવામાં નથી આવ્યું.
આ પણ વાંચો : શું ટ્રમ્પના રાજમાં અમેરિકનો દેશ છોડશે? ગૂગલ પર શોધે છે નવા દેશ, જુઓ કયા છે હોટ ફેવરિટ
બ્રિટન સહિત દુનિયાભરમાં ટીકા થઈ હતી
બ્રિટનમાં દાયકાઓ બાદ સત્તામાં આવેલી લેબર પાર્ટીએ 29 ઑક્ટોબરે પીએમ કીર સ્ટાર્મરના નેતૃત્વમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દારૂ અને માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું, જેની બ્રિટન સહિત દુનિયાભરમાં ટીકા થઈ હતી.