કોઈ ગુજરાતી તો કોઈ યુપીથી... અંગ્રેજોની ધરા પર મૂળ ભારતીયોનો દબદબો, જુઓ કોણ કોણ જીત્યું
UK General Election: ભારતીય ભૂમી પર જન્મેલા અથવા ભારતીય મૂળ સાથે જોડાયેલા નેતાઓએ અંગ્રેજોની ધરા પર કમાલ કરી દીધી છે. બ્રિટનની સામાન્ય ચૂંટણી (UK General Election)ના પરિણામ આવી ગયા છે અને આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઘણાં બ્રિટિશ-ઇન્ડિયન ઉમેદવારોએ પોતાની જીતનો ઝંડો ફરકાવી દીધો છે. લેબર પાર્ટીના તોફાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સુંપડા સાફ થઇ ગયા છે અને આ સાથે લેબર પાર્ટીના 14 વર્ષના વનવાસનો અંત આવ્યો છે. ઋષિ સુનકે તેમની પાર્ટીની હાર સ્વિકારતાં કીર સ્ટાર્મર બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો ભારે દબદબો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ ભારતીય મૂળના કયા કયા ઉમેદવારોએ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.
આ પણ વાંચો : કોણ છે કીર સ્ટાર્મર જેમણે સુનકને આપી ધોબી પછાડ
ઋષિ સુનકઃ ઋષિ સુનક તેમના મત વિસ્તારમાંથી ચૂંટણી જીતી ગયા છે પરંતુ તેઓ પાર્ટીને જીત અપાવવામાં અસફળ રહ્યા છે. બ્રિટનના તાત્કાલિન વડાપ્રધાન સુનક હાલ નોર્ધન ઇંગલેન્ડની બેઠક પર યથાવત છે. બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની પાર્ટીને 650માંથી 119 બેઠકો મળી છે. સુનક બ્રિટનના પહેલા એશિયન વડાપ્રધાન હતા તેમજ તેઓ બોરિસ જ્હોન્સનની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા.
પ્રીત કૌર ગિલઃ લેબર પાર્ટીના ઉમેદવાર પ્રીત કૌર ગિલ પણ ચૂંટણી જીતી ગયા છે. પ્રીત કૌર ગિલ બર્મિંગહામ એજબસ્ટન બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.
પ્રીતિ પટેલઃ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર અને ગુજરાતી મૂળના પ્રીતિ પટેલે લેબર પાર્ટીના ઉમેદવારને મોટા માર્જીનથી હાર આપી હતી. તેઓ વર્ષ 2019થી 2022 સુધી ગૃહ સચિવના પદ પર કાર્યરત હતા. કન્ઝર્વેટિવ પાર્ટીથી પ્રીતિ પટેલ વર્ષ 2010થી સતત સાંસદ છે.
ગગન મોહિન્દ્રઃ ગગન મોહિન્દ્ર પંજાબી હિન્દુ પરિવારથી આવે છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે. તેઓ યુકેની સામાન્ય ચૂંટણીઓમાં સાઉથ-વેસ્ટ હર્ટ્સ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.
કનિષ્ક નારાયણઃ લેબર પાર્ટીના સભ્ય કનિષ્ક નારાયણે બ્રિટનની સામાન્ય ચૂંટણીઓમાં જીત હાંસલ કરી છે. કનિષ્ક નારાયણનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો. 12 વર્ષની વયે તેઓ અભ્યાસ માટે બ્રિટન આવ્યા હતા. તેમણે ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. તેઓ સિવિલ સેવક પણ રહી ચૂક્યા છે.
શિવાની રાજા: કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા શિવાની રાજાએ પૂર્વ લીસેસ્ટર બેઠકથી જીત હાંસલ કરી છે. તેમણે લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને મોટા માર્જીનથી પરાજીત કર્યો હતો.
તનમનજીત સિંહ ધેસીઃ સિખ નેતા તનમનજીત સિંહ ધેસી સ્લોથી ફરી સાંસદ બન્યા છે. તેઓ બ્રિટિશ સંસદના પ્રથમ પાગડીધારી સિખ સાંસદ છે.
નવેન્દુ મિશ્રાઃ લેબર પાર્ટીના સભ્ય નવેન્દુ મિશ્રાએ સ્ટોક પોર્ટથી ફરી સાંસદ બન્યા છે. તેમની માતા મૂળ ગોરખપુર તેમજ તેમના પિતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરથી છે.
લીસા નંદીઃ લેબર પાર્ટીની સભ્ય લિસા નંદીએ 19 હજાર કરતા વધુ વોટના માર્જિનથી વિગન બેઠક પર જીત હાંસલ કરી હતી. તેઓ 2014થી સતત આ બેઠક પરથી સાંસદ છે. તેઓ કોલકાતામાં જન્મેલા પ્રખ્યાત શિક્ષણવિદ્ દિપક નંદીના પુત્રી છે.
સુએલા બ્રેવરમેનઃ ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન ફેરહેમ અને વોટરલૂવિલ બેઠકો પરથી જીત્યા છે. સુનકની નેતૃત્ત્વવાળી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને તેઓ 2015થી સતત ફેરહેમ બેઠક પરથી સાંસદ છે.