ભૂખ્ખડ ફેમિલીની કરતૂત વાયરલ, બ્રિટનમાં રૂ. 34,000ની વાનગીઓ ઝાપટી આઠ જણનો પરિવાર છૂમંતર થયો!
Family leaves without paying bill: વિશ્વના ગરીબ દેશોમાં સામે આવે તેવી ઘટના બ્રિટનમાં સામે આવી છે. એક પરિવારે અહીં તમામ હદ્દ વટાવી દીધી હતી. આઠ જણના પરિવારે જાણે પહેલી અને છેલ્લી વખત રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યાં હોય તેમ મેનૂમાં લખેલી મોટાભાગની વાનગીઓ મંગાવી અને આરોગી હતી.
બિલ ભરવાનો સમય નજીક આવતાની સાથે જ તેઓ રફૂચક્કર થઈ ગયાં હતાં. તેના પરિણામે રેસ્ટોરન્ટને રૂપિયા 34,000નો ફટકો પડ્યો હતો.
રેસ્ટોરન્ટને એક પરિવારે લગાવ્યો રૂ. 34,000નો ચૂનો
એક રિપોર્ટ મુજબ, પરિવારે મિજબાની માણીને રૂ. 34,000નું બિલ ન ભરતાં રેસ્ટોરન્ટના માલિકોએ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. રેસ્ટોરન્ટના જણાવ્યા અનુસાર, આ પરિવારની એક મહિલાએ બિલ ભરવા માટે કાર્ડ આપ્યું હતું.
આ કાર્ડ બે વખત ન ચાલતા તે રેસ્ટોરન્ટમાં પોતાના છોકરાને ડિપોઝીટની જેમ મૂકીને કાર્ડ લેવાના બહાને બહાર ગઈ હતી. તેના છોકરાને થોડીક જ મિનિટોમાં ફોન આવતા તે રેસ્ટોરન્ટમાંથી ભાગી ગયો હતો.
આ ઘટનાથી રેસ્ટોરન્ટને મોટો ફટકો
રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર લખ્યું કે, પરિવારે ટેબલ બુક કરાવતા સમયે આપેલો મોબાઈલ નંબર પણ ખોટો હોવાનું માલૂમ પડયું હતું. જાણે રેસ્ટોરન્ટ પોલીસ કેસ કરવા બદલ પરિવારની માફી માંગી રહ્યું હોય તેમ તેમણે લખ્યું કે, અમારે છેવટે પોલીસ કેસ કરવાની ફરજ પડી હતી.
તેમણે વધુમાં આપવીતી ઠાલવતા કહ્યું કે, કોઈપણ વ્યકિતને આવું કરવું યોગ્ય નથી પરંતુ, અમારી નવી જ ખોલવામાં આવેલી રેસ્ટોરન્ટને આ ઘટનાથી મોટો ફટકો પડ્યો છે.