Get The App

યુક્રેન પીસ પ્લાન પર સંમતિ, અમેરિકાથી સુરક્ષાની ગેરન્ટી... જાણો EUની ઈમરજન્સી બેઠકમાં શું થયું?

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
યુક્રેન પીસ પ્લાન પર સંમતિ, અમેરિકાથી સુરક્ષાની ગેરન્ટી... જાણો EUની ઈમરજન્સી બેઠકમાં શું થયું? 1 - image


Image Source: Twitter

Ukraine Peace Plan:  શુક્રવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચેની ઉગ્ર દલીલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. તે એક સામાન્ય બેઠક હતી જે પાછળથી ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગઈ હતી. હવે આ બંને દિગગ્જો વચ્ચેની દલીલથી વૈશ્વિક સ્તર પર એક નવા પ્રકારનો તણાવ વધી ગયો છે. ઝેલેન્સકી અમેરિકાથી સીધા બ્રિટન પહોંચ્યા હતા, જ્યાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે તેમનું દિલ ખોલીને સ્વાગત કર્યું. યુક્રેનના સમર્થનમાં બ્રિટનમાં યુરોપીય નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી. 

EUની ઈમરજન્સી બેઠક

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે લંડનમાં યુરોપિયન નેતાઓના એક મહત્ત્વપૂર્ણ શિખર સંંમેલનનું આયોજન કર્યું હતું. યુરોપિયન નેતાઓના આ શિખર સંંમેલનમાં સ્ટાર્મરે યુરોપની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને યુક્રેનને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું. આ સંમેલનનો ઉદ્દેશ્ય રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ઉગ્ર દલીલના કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો હતો.

બ્રિટિશ પીએમ એ કહ્યું કે, યુરોપિયન નેતાઓ વચ્ચે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે પીસ પ્લાન પર સંમતિ બની છે, જેને અમેરિકા સામે રજૂ કરવામાં આવશે. EU નેતાઓ વચ્ચે સંમતિ બની છે કે, યુક્રેનની મદદ માટે ડિફેન્સ પર ખર્ચ વધારવો પડશે. 

આ પણ વાંચો: 'પ્રમુખ પદ છોડી દઇશ, ડીલ પણ કરીશ બસ અમેરિકા આટલું કરે...', ઝેલેન્સ્કીની ટ્રમ્પ પાસે આ માગ

બ્રિટિશ પીએમ સ્ટાર્મરે શું-શું કહ્યું?

બ્રિટિશ પીએમ સ્ટાર્મરે કહ્યું કે, બ્રિટન, યુક્રેન, ફ્રાન્સ અને અન્ય દેશોએ યુક્રેન પીસ પ્લાન માટે એકજૂઠ થવું જોઈએ. આ સમય વાત કરવાનો નથી એક્શન લેવાનો છે. આ સમય આગળ વધીને શાંતિ સ્થાપિત કરવાનો છે. 

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે બેઠક દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે કહ્યું કે યુક્રેન માટે એક સારો કરાર હોવો મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે આ ખંડના તમામ દેશોની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ, જ્યારે નબળા કરારોએ પુતિનને ફરીથી હુમલો કરવાની તક આપી હતી. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે યુક્રેન વિના યુક્રેન પર કોઈ ચર્ચા ન થવી જોઈએ. અમે એ વાત પર સંમત થયા છીએ કે, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય દેશો યુક્રેન સાથે યુદ્ધ રોકવાની યોજના પર કામ કરીશું, જેના પર અમે અમેરિકા સાથે આગળ ચર્ચા કરીશું અને સાથે મળીને કામ કરીશું.

તેમણે કહ્યું કે, યુરોપની સુરક્ષાને લઈને આ પેઢીઓમાં એક વાર આવનાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ તક છે. પશ્ચિમી દેશોએ યુક્રેનને આપવામાં આવતી સહાય બમણી કરવી જોઈએ. બ્રિટન યુક્રેનને નવી મિસાઇલો ખરીદવા માટે 1.6 બિલિયન પાઉન્ડ (લગભગ બે બિલિયન યુએસ ડૉલર) આપશે. આ રકમમાંથી પાંચ હજાર એર ડિફેન્સ મિસાઇલો ખરીદવામાં આવશે.

EU નેતા શું-શું બોલ્યા?

જર્મનનીના ચાન્સેલર ઓલાફ શોલ્જે કહ્યું કે, 'આજની બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપનું સમર્થન બતાવવાની આ એક તક હતી.'

પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, '50 કરોડ યુરોપિયનો 30 કરોડ અમેરિકન નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે, 14 કરોડ રશિયનોથી અમારી રક્ષા કરો. આનું કારણ એ છે કે આપણને આપણી જાત પર વિશ્વાસ નથી.'

યુરોપિયન કમિશનના અધ્યક્ષે કહ્યું કે, 'આપણે શક્ય તેટલી વહેલી તકે યુરોપને હથિયારબંધ બનાવવું પડશે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ વધારવું પડશે. યુરોપિયન યુનિયનની સુરક્ષા માટે આ જરૂરી છે. આપણે અત્યારે સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.'


Google NewsGoogle News