બ્રિટનમાં કેક અને મેટ્રેસ ફેકટરીમાં કામ કરતા 12 ભારતીયોની ધરપકડ, ગેરકાયદે રીતે કામ કરવાનો આરોપ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
બ્રિટનમાં કેક અને મેટ્રેસ ફેકટરીમાં કામ કરતા 12 ભારતીયોની ધરપકડ, ગેરકાયદે રીતે કામ કરવાનો આરોપ 1 - image

image : Twitter

UK arrest 12 Indians over visa violation : બ્રિટનના ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ વિઝાની શરતોના ઉલ્લંઘન કરવા બદલ મેટ્રેસ બનાવતી અને કેક બનાવતી બે ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા જેમાં 12 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી 11 પુરુષ અને એક મહિલા છે.  

બ્રિટનના ગૃહ મંત્રાલયના નિવેદન પ્રમાણે ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ દ્વારા ઇંગ્લેન્ડના વેસ્ટ મીડલેન્ડ ક્ષેત્રમાં મેટ્રેસ બનાવતી એક કંપનીના યુનિટ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. અધિકારીઓને સૂચના મળી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે લોકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે આ ફેક્ટરી માંથી સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય પાંચ નાગરિકોની કેક બનાવતી એક બેકરીમાંથી ધરપકડ થઈ છે . તેમના ઉપર વિઝાના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે . 

ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આ પૈકીના ચાર લોકોને ભારત પાછા મોકલવા માટે વિચારણા કરવામાં આવશે . અને ત્યાં સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવશે.  જ્યારે બીજા ચાર લોકોને જામીન આપવામાં આવ્યા છે પરંતુ તેમણે સમયાંતરે ગૃહ મંત્રાલયની ઓફિસને રિપોર્ટ કરવો પડશે . 

અધિકારીઓનું કહેવું છે કે આ બંને જગ્યાએ ગેરકાયદેસર રીતે લોકોને કામ કરવા માટે નિયુક્ત કરાયા હોવાનો આરોપ સાબિત થઈ જશે તો બંને ફેક્ટરીને પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે જેના ભાગરૂપે તેમના પર આકરો દંડ પણ ફટકારાઈ શકે છે.  

ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકારે દેશમાં વસતા માઇગ્રન્ટસ પર આકરા નિયંત્રણો લાગુ કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો પણ વધારે કડક બનાવવામાં આવ્યા છે જેની અસર ભારતથી યુકે જવા માગતા અને બ્રિટનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર થાય તેવી શક્યતા છે. 



Google NewsGoogle News