700 કરોડના ખર્ચે બનેલુ UAEનુ પહેલુ હિન્દુ મંદિર ઉદઘાટન માટે તૈયાર, જાણો તેની ખાસિયતો
image : Twitter
અબૂ ધાબી, તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
આરબ દેશ યુએઈમાં એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહયો છે. દેશનુ પહેલુ હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે. બીએપીએસ દ્વારા બનાવાયેલા આ મંદિરનુ ઉદઘાટન ભારતના વડાપ્રધાન પીએમ મોદી કરવાના છે.
આ મંદિર યુએઈ સરકારની સાંસ્કૃતિક વિવિધતા અને સહિષ્ણુતાની નીતિને પણ આગળ વધારશે. સાથે સાથે દેશમાં રહેતા હિન્દુ સમુદાય માટે પણ મંદિરનુ ઉદઘાટન એક ઐતહાસિક પ્રસંગ બનશે.
આ મંદિર પશ્ચિમ એશિયાનુ સૌથી મોટુ મંદિર હશે. તેને સંપૂર્ણપણે પથ્થરોમાંથી બનાવવામાં આવ્યુ છે. આ મંદિરની રસપ્રદ વિશેષતાઓ પણ જાણવા જેવી છે.
બીએપીએસ દ્વારા આ મંદિરનુ નિર્માણ સંગેમરમર, બલુઆ પ્રકારના પથ્થરથી કરાયુ છે. મંદિર બનાવવા માટે શ્રમિકોએ ચાર લાખ કલાકોનો સમય આપ્યો છએ.
મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે અને આ પણ એક પ્રકારનો રેકોર્ડ છે.
બીએપીએસ મંદિરમાં કરાયેલી કોતરણી જોનારાની આંખો ના હટે તે પ્રકારની ભવ્ય અને મનોરમ્યા છે. આ મંદિરે નવા સાંસ્કૃતિક ધારાધોરણો પણ સ્થાપ્યા છે.
મંદિરની ડિઝાઈન માટે ભારતમાં કારીગરોએ કોતરણી કરી હતી અને મૂર્તિઓ બનાવી હતી. બાદમાં તેને યુએઈ લઈ જવામાં આવી હતી.
પીએમ મોદીની યુએઈ યાત્રા દરમિયાન મંદિર માટે જમીન ફાળવવાની યુએઈ સરકારે જાહેરાત કરી હતી. આ બંને દેશો વચ્ચેના ઘનિષ્ઠ બની રહેલા સંબધોને દર્શાવે છે.
ભારતના કારીગરોને પણ મંદિર નિર્માણ માટે યુએઈ બોલાવવામાં આવ્યા હતા. મંદિર માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તેમજ સંજય દત્ત સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક શ્રમદાન કર્યુ છે. મંદિર નિર્માણમાં કુલ 50000 લોકોનો ફાળો છે.
મંદિર ડિઝાઈનમાં સાત શિખરનો સમાવેશ થયો છે. જે યુએઈના સાત રાજ્યોના એકીકરણને દર્શાવે છે. મંદિરના ઉદઘાટન માટે યોજાનારા સમારોહમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝલક જોવા મળશે.
મંદિર નિર્માણ માટે 700 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
મંદિરમાં મહેમાન કક્ષ, પ્રાર્થના સભા, પ્રદર્શન સ્થળ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, પુસ્તકો તેમજ ગિફ્ટ શોપ પણ બનાવાયા છે. મંદિરના પાયામાં 100 તેમજ સમગ્ર પરિસરમાં 350 સેન્સર મુકાયા છે. જે તાપમાન, ભૂકંપ જેવી બાબતોનો ડેટા સતત પૂરો પાડ્યા કરશે.