દુબઈમાં 75 વર્ષ જૂનુ શિવ મંદિર બંધ કરવાનો તંત્રનો આદેશ, લોકોમાં નારાજગી
image : Twitter
નવી દિલ્હી,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
યુએઈના દુબઈ સ્થિત એક પ્રતિષ્ઠિત અને 75 વર્ષ જૂનુ શિવ મંદિર ખસેડવાનો નિર્ણય તંત્રે લીધા બાદ સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
મંદિર મેનેજમેન્ટે તમામ ભાવિકોને સૂચના આપી છે કે, 2024થી તમામ ભક્તોએ જેબેલ અલી વિસ્તારમાં બનેલા નવા મંદિરમાં દર્શન કરવા માટે આવવાનુ રહેશે. મળતા અહેવાલ પ્રમાણે આ મંદિરમાં રજાના દિવસે દર્શન કરવા આવતા લોકોની સંખ્યા 5000 સુધી પહોંચતી હોય છે અને જ્યારે કોઈ તહેવાર હોય તો 10000 લોકો મંદિરમાં જતા હોય છે. જેના કારણે મંદિરમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ થઈ જાય છે. જેને કંટ્રોલ કરવા માટે પોલીસને પણ ઘણી જહેમત ઉઠાવવી પડતી હોય છે. જેના કારણે સ્થાનિક તંત્રે મંદિરનુ સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
એક અંગ્રેજી અખબારમાં મંદિર મેનેજમેન્ટે આ વાતને સમર્થન આપતા કહ્યુ છે કે, બુર દુબઈ વિસ્તારમાં આવેલુ આ શિવ મંદિર 3 જાન્યુઆરીથી કાયમ માટે બંધ થઈ જશે. સાથે સાથે સિંધી ગુરુ દરબાર પરિસરને પણ આ જ દિવસથી કાયમ માટે તાળા વાગી જશે. ભક્તોએ હવે નવા મંદિરમાં આવવુ પડશે. જેનુ નિર્માણ ગયા વર્ષે જ થયુ છે.
જોકે મંદિર સ્થળાંતરથી સામાન્ય લોકો નારાજ છે. કારણકે મંદિરની આજુબાજુ પ00 જેટલી નાની દુકાનો છે. જે મંદિર પર આવતા ભાવિકો પર જ નભે છે. ઘણા લોકોને મંદિર સાથે જૂનો અને ભાવનાત્મક નાતો છે.
બીજી તરફ મંદિરના દરવાજા પર મંદિર બંધ કરવા માટે નોટિસ પણ મારી દેવામાં આવી છે. લોકોનુ કહેવુ છે કે, અહીંયા મંદિરનુ બંધ થવુ એ એક યુગની સમાપ્તિ જેવુ છે.